સુરત : કોરોના દર્દીઓની સંખ્યા વધવાની સાથે સાથે તંત્ર દ્વારા ખુબ જ બેદરકારી દાખવવામાં આવી રહી છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓનું મોત થયા બાદ તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા છતા પરિવારને જાણ સુદ્ધા કરવામાં નહી આવ્યું હોવાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યું છે. કતારગામ વિસ્તારમાં આવેલા શક્તિનગરમાં રહેતા દિલીપભાઇ ગોંડલીયા રત્નકલાકાર છે. તેનો ૧૭મી તારીખે કોરોના પોઝિટિવ આવ્યા બાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
૨૪મીએ રાત્રે ૧૧ વાગ્યે પરિવારના સભ્યોએ દિલીપભાઇ સાથે વાત કરી હોવાનું કહેતા મૃતકના ભત્રીજા કિશન ગોંડલિયાએ કહ્યું કે, ૨૫મીએ બપોરે એક વાગ્યે તેઓ દર્દીને મળવા ગયા ત્યારે ખબર પડી કે, તેનું મોત તો સવારે સાડા પાંચ વાગ્યે થયું છે અને અંતિમ સંસ્કાર પણ એકતા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. મુળ ગીર સોમનાથના રહેવાસી દિલીપભાઇના બે સંતાનો છે. જેઓ અસ્થિ માટે ટ્રસ્ટીની ઓફીસ પહોંચ્યા હતા. સિવિલ તંત્રની બેદરકારી અંગે સવાલો ઉઠાવ્યા હતા. કિશન ગોંડલીયાએ કહ્યું કે, અમે ૨૪મીએ વાત કરી હતી. ૨૫ મી તારીખે ફોન સ્વિચ ઓફ આવતો હતો. જેથી અમે મુંઝાયા હતા. ત્યાર બાદ જઇને તપાસ કરતા ખબર પડી કે, અંતિમ સંસ્કાર પણ થઇ ચુક્યા હતા. ઘટનાનાં બે દિવસ થઇ ગયા હોવા છતા હજુ સુધી અમને તંત્ર દ્વારા કોઇ જ જાણ કરવામાં આવી નથી.