સુરત : સુરત શહેરમાં માલેતુજાર વર્ગમાં પણ ડ્રગ્સનું દૂષણ હોવાનો પર્દાફાશ હોટેલિયર આદિન નુરાનીની ધરપકડ સાથે ખુલ્યું છે. આદિલ છેલ્લા દોઠ વર્ષથી માલેતુજારોની પાર્ટીમાં એમડી ડ્રગ્સની વ્યવસ્થા કરતો હતો. પોલીસે આદિલની પાર્ટીઓની વિગતો એકઠી કરવાની સાથે જેઓ આ પાર્ટીઓમાં સામેલ હતા અને કોણ કોણ ડ્રગ્સ લેતું હતું તેની વિગતો એકઠી કરી છે. વાત બહાર જાય નહીં તે માટે પોતાના ઘરે અથવા તો વિશ્વાસુ મિત્રોના ઘરે રાખવામાં આવતી પાર્ટીઓમાં જ ડ્રગ્સ આપવામાં આવતું હોવાનું પોલીસે જણાવ્યું હતું. ગત ૨૨મીએ ડુમસથી પકડાયેલાં એક કરોડના એક કિલો એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલાં અડાજણ પાટીયાના સલમાન ઝવેરીએ પોતાના પાર્ટનર તરીકે ઘોડદોડ રોડ ઉપર કરીમાબાદમાં રહેતા ૪૧ વર્ષીય આદિલ નુરાનીનું નામ આપ્યું હતું. શહેરમાં જાણીતી હોટેલ ચલાવતાં અને કરોડોમાં આળોટતાં આદિલનો એક કરોડના ડ્રગ્સમાં ૩૦ લાખનો માલ હતો.
તેણે સલમાનને આ જથ્થાનો ઓર્ડર આપ્યો હતો. જે સામાન્ય રીતે છૂટક ગ્રાહકોને વેચતાં ડ્રગ પેડલર કરતાં પણ મોટો હતો. આદિલ પોતાની પાસેથી મોટા પ્રમાણમાં છેલ્લા દોઢ વર્ષથી ડ્રગ્સ ખરીદતો હોવાનું અને આદિલ તથા તેના માલેતુજાર મિત્રો સાથે એમડીનો નશો કરતો હોવાનું સલમાને જણાવ્યું હતું. બંને એક પાર્ટીમાં ભેગા થયા હતા અને ત્યારથી રેગ્યુલર એમડી ડ્રગ્સના બંધાણી હોવાનું જણાવ્યું હતું. આદિલને પણ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. અને તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આદિલ અને મિત્રોના ઘરે પાર્ટીઓ થતી તેમાં ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
જાહેરમાં થતી પાર્ટીઓમાં ડ્રગ્સ રાખવામાં આવતું ન હતું. નજીકના અને ખાસ વ્યક્તિઓને જ પાર્ટીઓમાં હાજર રાખવામાં આવતાં હોવાની વિગતો પોલીસને મળી હતી. આ પાર્ટીઓમાં કેટલીક મહિલાઓ પણ નશો કરતી હોવાનું બહાર આવતાં પોલીસે હવે આ પાર્ટીઓમાં કોણ કોણ સામેલ હતું અને કોણે કોણે ડ્રગ્સ લીધું હતું તેની તપાસ હાથ ધરી છે. આદિલ એકલો જ રૂપિયા ખર્ચતો હતો કે ભાગીદારીમાં આ ડ્રગ્સ લાવવામાં આવતું હતું તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.