ભાવનગર : બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આપઘાત કેસની તપાસ હાલ સીબીઆઈ કરી રહી છે. આ મામલે દરરોજ નવાં નવાં ખુલાસા થઈ રહ્યા છે. સુશાંતસિંહ રાજપૂતના અનેક પ્રશંસકો આ કેસની નિષ્પક્ષ તપાસ થાય અને દિવંગત અભિનેતાને ન્યાય મળે તેવી માંગણી કરી રહ્યા છે. બીજી તરફ આજે ૧૦૦માંથી ૯૦ટકા યુવા વર્ગ પોતાનાં આદર્શ તરીકે બોલિવૂડનાં અભિનેતા કે અભિનેત્રીને પસંદ કરે છે. પોતાની લાઈફ સ્ટાઇલથી લઈને રોજિંદી દિનચર્યા પણ એ જ રીતે જીવવાનો આગ્રહ રાખે છે. જૂજ સંખ્યા એવી પણ છે કે જે વ્યક્તિઓનાં આદર્શ કોઈ આદર્શવાદી યુગ પુરુષો હોય છે. ભાવનગરના એક યુવાને સુશાંતસિંહ કેસની યોગ્ય તપાસ થાય તે માટે અને તેને શ્રદ્ધાંજલિ આપવા માટે પોતાની પીઠ પર સુશાંતનું આબેહૂબ ટેટૂ ચિતરાવ્યું છે.
ભાવનગર શહેરમાં રહેતાં અને ટેટૂ આર્ટિસ્ટ તરીકે પ્રખ્યાત જયદીપ બારડે એક યુવાનનાં પીઠ પર યુવાનની માંગ પ્રમાણે આબેહૂબ સુશાંતસિંહનું ટેટૂ બનાવ્યું છે. તેણે જણાવ્યું હતું કે સુશાંતસિંહને શ્રદ્ધાંજલિ આપવા તથા તેના મૃત્યુનું સાચું કારણ બહાર લાવવાની માંગ સાથે આ ટેટૂ ત્રોફાવ્યું છે. પૂરા પાંચ કલાકની જહેમત બાદ આ ટેટૂ તૈયાર થયું છે. ભાવનગર શહેરમાં હાલ આ ટેટૂએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. નોંધનીય છે કે આજની યુવા પેઢી બોલીવૂડના સિતારાઓ પર ઓળઘોળ છે. તાજેતરમાં બોલિવૂડના ટેલેન્ટેડ અને યુવા ચહેરો એવા સુશાંતસિંહ રાજપૂતની લાશ તેના રહેણાક ફલેટમાંથી મળી આવી હતી.
જે બાદમાં આ યુવા અભિનેતાએ આત્મહત્યા કરી કે હત્યા થઈ છે તે મુદ્દે વિવાદનો મધપૂડો છેડાયો છે. કેટલાક દિવસોથી સવાર થતાંની સાથે જ વિવિધ સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયામાં બસ આ જ મુદ્દે ચર્ચામાં આમ બની છે. સુશાંતસિંહ રાજપૂતનો ચાહક વર્ગ ઉપરાંત તેના પ્રત્યે સંવેદના ધરાવતા લોકો મૃત્યુનું સાચું તથ્ય તલસ્પર્શી તપાસના અંતે બહાર લાવવાની માંગ કરી રહ્યા છે. તેના ચાહકો આ યુવા સિતારાને વિવિધ રીતે શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાવનગરના યુવાને પણ ટેટૂ ત્રોફાવીને આવો જ પ્રયાસ કર્યો છે.