મુંબઈ : સુશાંતસિંહ રાજપૂતનાં મોતથી ઘણા વણઉકેલાયેલા પ્રશ્નો પાછળ રહી ગયા છે. અભિનેતા, દિગ્દર્શકો સહિત બોલિવૂડની દુનિયા સુશાંતના મોત પર દુઃખી છે. ૩૪ વર્ષની ઉંમરે અભિનેતાના મોતને ભેટે એ વાત કોઈ સમજી શકેતું નહીં. દરેક જણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યું છે. હવે અભિનેતા અને દિગ્દર્શક શેખર કપૂરે પણ સુશાંતના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે ટ્વીટ કર્યું છે કે અભિનેતાની આત્મહત્યા ખૂબ પીડાદાયક છે. શેખર કપૂરે ટ્વીટ કર્યું કે, ‘તું જે પીડા અનુભવી રહ્યો છે તેનો મને અહેસાસ હતો. જે લોકોએ તને કમજોર બનાવ્યો અને તું મારા ખભા પર માથું રાખીને રડતો હતો એ લોકોની કહાની હું જાણું છું. મારી ઈચ્છા હતી કે હું છેલ્લા ૬ મહિના તારી સાથે હોત. કાશ તે મારી સાથે વાત કરી હોત. જે કંઈ પણ થયું તે તારા કર્મો નથી, કોઈ બીજાની હરકતો છે. શેખરની આ પોસ્ટ ઘણી ચીજો તરફ ઇશારો કરી રહી છે. ચર્ચા મુજબ સુશાંત કામ નહીં આપવા બદલ ઈન્ડસ્ટ્રીના ટોચના ડાયરેક્ટરોથી પરેશાન હતો. એવી પણ ચર્ચા છે કે કેટલાક મોટા બેનરોએ સુશાંતના કામ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે આ બાબતો કેટલી સાચી છે તેનો કોઈની પાસે પુરાવો નથી. શેખર કપૂર અને સુશાંત સિંહ રાજપૂત ફિલ્મ ‘પાની’ માં સાથે કામ કરવાના હતા. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ આ ફિલ્મની ઘોષણા કરવામાં આવી હતી, પરંતુ યશરાજ બેનરે હાથ પાછો ખેંચી લેવાના કારણે ફિલ્મ કોલ્ડ સ્ટોરેજમાં ગઈ હતી. એવા અહેવાલો હતા કે શેખર આ ફિલ્મ ઋતિક રોશન સાથે બનાવવા માંગે છે પરંતુ આશુતોષ ગોવારિકરના મોહેંજોદારોને કારણે ઋતિક આ પ્રોજેક્ટનો ભાગ બની શક્યો નથી. આ સિવાય શેખર આ ફિલ્મમાં એક હોલિવૂડ સ્ટારને કાસ્ટ કરવા માંગતો હતો, પરંતુ અંતે તેણે સુશાંત સિંહ રાજપૂતની પસંદગી કરી. શેખર કપૂરે એમ પણ કહ્યું કે, સુશાંતે આ પ્રોજેક્ટ માટે ખૂબ મહેનત કરી હતી. અને જ્યારે યશરાજે આ ફિલ્મ બનાવવાની ના પાડી ત્યારે તે ખૂબ નિરાશ થયો હતો. સુશાંતના અવસાન બાદ હવે લોકો કરણ જોહર, આલિયા ભટ્ટ જેવા સેલેબ્સને પણ ટ્રોલ કરી રહ્યા છે.