મુંબઈ : એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનથી સમગ્ર બોલિવૂડમાં શોકમાં ગરકાવ થઈ ગયુ છે. એક્ટર આ રીતે દુનિયા છોડી દેશે કોઈના માન્યામાં આવતુ નથી. સુશાંતે ખુબજ ઓછી ઉંમરમાં સફળતા મેળવી લીધી હતી. એક્ટરે એક પછી એક દમદાર રોલ કરી દર્શકોને ચકીત કરી દીધા હતા. હવે તેમના આ રીતે અચાનક જવાથી બોલિવૂડને ખુબજ મોટી ખોટ પડી રહી છે. તેમની એક્ટિંગનો જાદૂ હવે જોવા નહી મળે. સુશાંત સિંહ રાજપૂતની કેટલીક ફિલ્મો અધુરી રહી ગઈ છે. એક્ટરના જવાથી આ ફિલ્મો અટકી પડી છે.
સુશાંત સિંહ રાજપૂત ફિલ્મ રાઇફલમેનમાં કામ કરનાર હતા. ગયા વર્ષે ૧૫ જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર આ ફિલ્મનું એલાન કર્યુ હતુ. આ ફિલ્મ ૧૯૬૨માં ભારત અને ચી વચ્ચે થયેલા યુદ્ધ પર આધારીત હતી. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુત મહાવીર ચક્ર વિજેતા જસવંત સિંહનો રોલ કરવાનો હતો.
સુશાંત સિંહ રાજપૂત આનંદ ગાંધીની ફિલ્મ ઇમરજન્સીમાં કામ કરવાનો હતો. આ ફિલ્મમાં પહેલા ઇરફાન ખાનને કાસ્ટ કરવામાં આવ્યા હતા પણ તેમનું નિધન થતા આ ફિલ્મ સુશાંત સિંહને સોંપાઈ હતી. હવે સુશાંતે પણ દુનિયા છોડી દીધી છે ત્યારે ફિલ્મનું ભાવી અધ્ધર તાલ છે. આ ફિલમ મહામારી પર બનાવવામાં આવી રહી હતી.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હંમેશા કંઇક નવું કરવાનો પ્રયાસ કરતો હતો. અભિનેતા હંમેશાં હટકે અભિનય કરતો હતો. વર્ષ ૨૦૧૮ માં અભિનેતાએ INSEI વેન્ચર્સ સાથે હાથ મિલાવ્યો હતો. તે ઈન્સેઇ વેન્ચર્સના સ્થાપક સાથે ૧૨ એપિસોડની એક સ્પેશિયલ સીરીઝ બનાવવા જઈ રહ્યો હતો. આ સીરીઝમાં સુશાંત એપીજે અબ્દુલ કલામથી ચાણક્ય સુધીની ઘણી ભૂમિકાઓ ભજવવાનો હતો.
સમાચાર એવા પણ મળી રહ્યા છે કે શેખર કપૂરની ફિલ્મમાં સુશાંત સિંહ મુખ્ય રોલ કરવાનો હતો. ફિલ્મ પર ઘણું કામ કરવામાં આવ્યું હતું. સુશાંતનું નામ પણ ફાઈનલ માનવામાં આવી રહ્યું હતું. પરંતુ અંતે કેટલાક કારણોને લીધે યશ રાજ ફિલ્મ્સે આ પ્રોજેક્ટને રોકી દીધી અને આ ફિલ્મ મોટા પડદે રીલીઝ ન થઈ શકી.
દિલ બેચારા એક એવી ફિલ્મ છે જે નિર્માણ માટે તૈયાર છે અને મોટા પડદા પર રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના વાયરસને કારણે આ ફિલ્મનું ભાગ્ય પલટાયું લોકડાઉનને કારણે આ ફિલ્મ રિલીઝ થઈ શકી નથી. હવે મુકેશ છાબરાની આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં સુશાંત સાથે સંજના સાંધી જોવા મળશે.