સીડીએસએ હથિયારોની આયાત બંધ કરવા કહ્યું…
ન્યુ દિલ્હી : ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતે સેનાઓને આયાત ઘટાડવાની સલાહ આપી છે. તેમણે વિદેશી હથિયારો અને અન્ય સુરક્ષા ઉપકરણો ખરીદવાને બદલે ’મેક ઈન ઈન્ડિયા’ પર ધ્યાન આપવા જણાવ્યું હતું.
વધુમાં સેનાઓ અમેરિકા કે અન્ય દેશોને જોઈને નહીં પરંતુ પોતાની જરૂરિયાતના હિસાબથી વસ્તુઓ નક્કી કરે તે જરૂરી છે તેમ પણ કહ્યું હતું. આ રીતે જનરલ રાવતે હથિયારોની ખરીદીમાં ખર્ચાતા રૂપિયાને યોગ્ય રીતે મેનેજ કરીને ભારત પોતાની ડિફેન્સ ઈન્ડસ્ટ્રી તૈયાર કરી શકે છે તેવો ઈશારો કર્યો હતો.
જનરલ રાવતના કહેવા પ્રમાણે આપણે ફક્ત આપણી સરહદોનું રક્ષણ કરીને ત્યાં જ લડવાનું છે, બીજા દેશોની સેનાની જેમ સમગ્ર વિશ્વમાં તૈનાત થવાનું નથી. સાથે જ આપણે ભારતીય સમુદ્રી ક્ષેત્રો પર પણ દબદબો જાળવી રાખવાનો છે માટે આપણી જરૂરિયાતની ખોટી છબિનું સર્જન કરવાને બદલે આયાત ઘટાડવી જોઈએ.
ત્રણેય સેનાના પ્રમુખ જનરલ બિપિન રાવતે જણાવ્યું કે, કોરોના વાયરસ મહામારીના કારણે બધા જ લોકો પ્રભાવિત થયા છે. આપણે યથાર્થવાદી બનીને એડજસ્ટ કરવું પડશે. આપણી જરૂરિયાતને સમજીને ઓપરેશનની પ્રાથમિકતાઓ નક્કી કરવી પડશે. હથિયારોની આયાત, તેનો સામાન, જાળવણી વગેરે ખૂબ મોંઘુ થઈ ગયું છે. આમ તેમણે સેનાને વિદેશી હથિયારો પરની નિર્ભરતા ઘટાડવાનો સંકેત કર્યો હતો.
કોરોનાના કારણે દેશની આર્થિક સ્થિતિ નબળી પડી હોવાથી ડિફેન્સ બજેટમાં કાપ મુકાય તેવી શક્યતા છે ત્યારે જનરલ રાવતનું આ નિવેદન ખૂબ મહત્વનું બની જાય છે. ભારત વિશ્વનો બીજા ક્રમે આવતો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ છે જ્યારે હથિયાર માર્કેટમાં ૯.૨ ટકાની ખરીદી સાથે સાઉદી પ્રથમ ક્રમે છે.