ગીર-સોમનાથ : આમ આદમી પાર્ટી (આપ)ના ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી હાલ ગીર-સોમનાથના પ્રવાસે છે. જે અનુસંધાને તેઓએ આજે એટલે કે સોમવારે સોમનાથ દાદાના દર્શન કર્યાં હતાં. આ દરમિયાન મંદિર બહાર બંને નેતાઓનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. બંને નેતાઓને ધક્કે પણ ચઢાવવામાં આવ્યા હતા. સનામત ધર્મ મામલે ચાર-પાંચ વર્ષ પહેલા ગોપાલ ઈટાલિયાએ કહેલા શબ્દો મામલે બ્રહ્મ સમાજ તરફથી આ વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે ગોપાલ ઇટાલિયા પ્રભાસ પાટણ પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આપના નેતા ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી આજે સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા. સોમનાથની તેમની આ પ્રથમ મુલાકાત છે. બંનેએ સોમનાથ મહાદેવાના દર્શન કર્યાં હતા. દર્શન કરીને બહાર આવેલા બંને નેતાઓને બ્રહ્મ સમાજના લોકોએ ધક્કે ચઢાવ્યા હતા. લોકોને વિરોધ જોઈને ગોપાલ ઇટાલિયા કાર તરફ ભાગ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ ભૂતકાળમાં હિન્દુ સનાતન ધર્મને લઈને સો.મીડિયામાં કરેલા શબ્દ પ્રયોગને લઈને બ્રહ્મ સમાજ અને હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સોમનાથ ખાતે બનેલી ઘટનાને ગોપાલ ઇટાલિયાએ ભાજપ પ્રેરિત ગણાવી હતી. જે બાદમાં તેઓ પ્રભાસ પાટણ પોલીસ મથક ખાતે ફરિયાદ કરવા માટે દોડી ગયા હતા. આ મામલે તેઓએ નિવેદન આપ્યું, વાયરલ વીડિયોથી કોઈ પણ સમાજ કે લોકોની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગું છું. ચૂંટણી આવે છે ત્યારે જ આવું કેમ થાય છે તે સમજાતું નથી.
આ મામલે ગીર-સોમનાથ જિલ્લાના બ્રહ્મ સમાજના કાર્યકારી પ્રમુખ મિલન જોશીએ જણાવ્યું, “આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા દર્શન માટે આવ્યા હતા. એમની સનાતન ધર્મ વિરુદ્ધની માનસિકતાને પડકારવા માટે અમે તેમનો વિરોધ કરવા માટે મંદિર પાસે ધરણા કર્યાં હતાં. અમારા ૨૦-૨૫ લોકોના ગુસ્સા અને ઉત્સાહને જોઈને ગોપાલ ઇટાલિયા નામનો શખ્સ ઊભી પૂછડીએ ભાગી ગયો છે. તેમની સાથે રહેલા ઇસુદાન પણ અમારા એક પણ પ્રશ્નનો જવાબ આપ્યા વગર ઊભી પૂછડીએ ભાગી ગયા છે.”
મિલન જોશીએ જણાવ્યું, “અમારો રાજકીય વિરોધ નથી, ફક્ત હિન્દુ સંસ્કૃતિ અને ધર્મને લઈને નામરૂપી વિરોધ છે. એ લોકો સનાતન ધર્મને માનતા હોય તો અમારે કોઈ વિરોધ કરવાનો થતો નથી. આજથી પાંચ છ વર્ષ પહેલા ગોપાલ ઇટાલિયાએ હિન્દુ ધર્મ, પ્રતિકો ઉપર કડવા શબ્દો કહ્યા હતા. એ વીડિયો મામલે જવાબ માંગવા માટે અમે તેમનો વિરોધ કર્યો હતો.