નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાનો એક એવો ખેલાડી જેના પિતા એક ખેડૂત હતા અને તે કબ્રસ્તાનમાં બોલિંગની પ્રેક્ટિસ કરતો હતો. પરંતુ તેની સખત મહેનત અને મજબૂત ઇચ્છાશક્તિના કારણે આજે તે દુનિયાના સૌથી ખતરનાક ક્રિકેટર્સમાં શામેલ થયો છે. આ ખેલાડીએ પોતાના દમ પર ફર્શથી અર્શ સુધીનો સફર પૂરો કર્યો છે.
આ ખેલાડીનું નામ છે મોહમ્મદ શમી. જેનું બાળપણ ખૂબ જ પડકારજનક રહ્યું હતું. પરંતુ મોહમ્મદ શમીએ ક્યારેય હાર ન માની. આપને જણાવી દઈએ કે મોહમ્મદ શમીનો જન્મ યુપીના અમરોહામાં સહસપુર અલીનગર ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. શમીને બાળપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો. તેને ફાસ્ટ બોલિંગ કરવી વધુ પસંદ હતી. તેથી તેને જ્યાં પણ ખાલી જગ્યા મળતી તે બોલિંગ પ્રેક્ટિસ શરૂ કરી દેતો. ભેલ એ પછી ઘર હોય, છત હોય કે પછી કબ્રસ્તાન હોય. શમીના ઘરની પાછળ એક કબ્રસ્તાન હતું જ્યાં તે બાળપણમાં બોલિંગ પ્રેક્ટિસ કરતો. ત્યાર બાદ શમીએ કોચ બદર અહમદ પાસેથી ક્રિકેટના ગુણ શીખ્યા. કોચે શમીની બોલિંગમાં વધુ સુધારો કર્યો.
તે ૧૪૦ કિમી. પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ કરતો હતો. પરંતુ યુપીમાં તક ઓછી મળતા કોચની સલાહ પ્રમાણે શમીએ કોલકાતામાં ક્લબ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. કોલકાતાના ઇડન ગ્રાર્ડન્સમાં એક વખત ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પ્રેક્ટિસ માટે આવ્યા હતા અને શમીને તેમને બોલિંગ કરવાની તક મળી. શમીએ પોતાની બોલિંગથી ગાંગુલીને ઘણા પરેશાન કર્યા. ત્યાર બાદ ગાંગુલીએ શમીથી પ્રભાવિત થઈ બંગાળ ક્રિકેટ ટીમના મેનેજમેન્ટને શમી પર નજર રાખવા કહ્યું અને પછી શમી બંગાળ ક્રિકેટ ટીમમાં શામેલ પણ થયો. ત્યાર બાદ વર્ષ ૨૦૧૩માં શમી ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો બની ગયો હતો. શમીએ અત્યાર સુધી ભારત માટે ૪૯ ટેસ્ટ મેચમાં ૧૮૦ વિકેટ જ્યારે ૭૭ વન ડે મેચમાં ૧૪૪ વિકેટ ઝડપી છે.