Charotar Sandesh
ઉત્તર ગુજરાત

સૌરાષ્ટ્રમાં જોડિયામાં ૧૪ ઈંચ, મોરબીમાં ૧૦ ઈંચ, રાજકોટમાં ૬ ઈંચ વરસાદ…

મચ્છુ ડેમ ઓવરફ્લો, ઘરમાં પાણી ઘૂસ્યા, પાકને નુકસાન…

રાજકોટ : રાજકોટ અને જામનગર સહિત સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. જામનગર જિલ્લાના જોડીયામાં ૧૪ ઈંચ વરસાદ પડ્યો છે. બીજી તરફ મોરબીમાં ૧૦ ઈંચ વરસાદ પડતા મચ્છુ ડેમ ઓવરફ્લો થયો છે. રાજકોટ જિલ્લામાં આખી રાત વરસાદ વરસ્યો છે. સૌથી વધુ લોધિકામાં ૫ ઈંચ, ઉપલેટામાં ૪ ઈંચ, ગોંડલમાં ૪ ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. ગીર પંથકમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેથી ખેતરમાં ઉભા પાકને નુકસાન થાય તેવી ભીતી સેવાઈ રહી છે. મોરબીમાં શહેરમાં ધોધમાર ૧૦ ઈંચ વરસાદ પડતા જળબંબકારની સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના શનાળા રોડ, રામચોક, રવાપર, રવાપર ગામ, નેહરૂગેટ, અવની ચોકડી રોડ પર નદીઓ વહેવા લાગી હતી. જેને લઈને વાહનવ્યવહાર ખોરવાયો હતો. ભારે વરસાદના પગલે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ડેમ ઓવરફ્લો થયો છે.
ડેમના ૧૨ દરવાજા ૪ ફૂટ ખોલવામાં આવ્યાં છે. હાલ ડેમમાંથી ૬૯૬૧૬ ક્યુસેક પાણીની આવક અને જાવક થઈ રહી છે. ગોંડલ પંથકમાં ધોધમાર ૪ ઈંચ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા છે. શહેરના માંડવી ચોક, કોલેજ ચોક, કપુરીયા ચોક, કૈલાસ બાગ અને ભવનાથ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ સાથે જ લુણીવાવ ગામે આવેલો છાપરવાડી ડેમ ઓવરફ્લો થયો હતો. જેને લઈને ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા. આ સાથે જ પાટિયાળી પાસે આવેલો મોતીસર ડેમ ઓવરફ્લો થતાં ૧૪ દરવાજા ખોલવામાં આવ્યાં છે. ગોંડલ તાલુકાના અનિડા ભલોડીથી કોલીથડ જતા રોડ પર આવેલા પુલનો કેટલોક હિસ્સો ધોવાઈ ગયો છે. રાજકોટમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના પોપટપરા વિસ્તાર અને પોપટપરાના નાલામાં પણી ભરાઈ ગયા છે. આ સાથે રસ્તાઓ પર પાણી દોડવા લાગ્યા છે.
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લોધિકા તાલુકાના ઢોલરા ગામમાં ભારે વરસાદના પગલે નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ગામમાંથી પસાર થતી ન્યારી નદીમાં ઘોડાપૂર આવતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ ફોફળ નદી ગાંડીતૂર બની છે. જેને લઈને કાલમેઘડા ગામમાં પાણી ઘૂસી ગયા છે. ગીર પંથકમાં પડી રહેલા ભારે વરસાદના કારણે કોડીનારના ફાફની ગામમાં પાણીનો ટાંકો ધસમસતા પ્રવાહમાં તણાયો હતો. ટાંકો તણાયા બાદ ૨ કિમી દૂર એક ખેડૂતના ખેતરમાંથી મળી આવ્યો હતો. ભારે વરસાદના પગલે નદીઓ ગાંડીતૂર બની છે. સતત વરસી રહેલા વરસાદથી સૌરાષ્ટ્રમાં રોકડિયા પાકની ખેતી પર જોખમ ઊભું થયું છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ૩ ઈંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં પાણી ભરાઈ ગયા હતા.
જેતપુરમાં ૬ વાગ્યા સુધીમાં ૩ ઈંચ, જામ કંડોરણામાં ૨ ઈંચ વરસાદ પડ્યો છે. ભાવનગર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી મોહલ જામ્યો છે. ક્યાક ધીમીધારે તો ક્યાય ધોધમાર વરસાદી ઝાપટા વરસી રહ્યાં છે. સતત વરસાદના પગલે મગ, તલ, મગફળી અને કપાસ સહિતના પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોમાં પ્રસરી છે. અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. લીલીયામાં વરસાદના પગલે નાવલી નદી ૨ કાંઠે વહેવા લાગી છે. લીલીયા શહેર સહિત આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેને લઈને નદી-નાળા અને ચેકડેમો છલકાયા છે.

Related posts

બહુચરાજીમાં ૧૮૦૦ લિટર કેરીનો રસ, ૫૦૦૦ રોટલીનો મહાપ્રસાદ ભક્તોને વહેંચાયો…

Charotar Sandesh

રીક્ષાચાલકોની સ્વયંભૂ હડતાળને મિશ્ર પ્રતિસાદ, અમુક જગ્યાએ જબરદસ્તી બંધ પળાયો…

Charotar Sandesh

ભગવાન જગન્નાથની નગરચર્યા પહેલા મંગળા આરતી માટે અમિત શાહ પહોંચ્યા

Charotar Sandesh