મુંબઈ : હાલમાં સ્વરા ભાસ્કર એક વિવાદને લઈ ચર્ચામાં છે. તેની એક વેબ સીરિઝ ‘રસભરી’ એમેઝૉન પ્રાઇમ વીડિયો પર રીલિઝ કરવામાં આવી છે. પરંતુ હવે વિવાદ શરૂ થઈ ગયો છે. પટકથા લેખક અને કેન્દ્રીય ફિલ્મ પ્રમાણ બૉર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીએ પણ વાંધો ઉઠાવ્યો છે. પ્રસૂન જોશીએ એક ટ્વીટ પણ કર્યું છે. તેમજ તેના પર અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ રિએક્શન આપ્યું છે. પ્રસૂન જોશીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, વેબ સીરિઝ રસભરીનું ગેર-જવાબદારીભર્યા સીન જોઇને દુઃખી છું. જેમાં એક નાનકડી બાળકીને દારૂના નશામાં લોકો સામે ઉશ્કેરણીજનક ડાન્સ કરતી બતાવવામાં આવ્યું છે.
દર્શકોને ગંભીરતાથી આ બાબતે વિચારવું જોઇએ કે આ ફ્રીડમ ઑફ એક્સપ્રેશન છે કે ફ્રીડમ ઑફ એક્સપ્લોઇટેશન છે? મનોરંજનની આવી ગંભીર ઇચ્છાઓથી આપણે બાળકોને બચાવવા જોઇએ. સ્વરા ભાસ્કરે તેને જવાબ આપતાં ટ્વીટ કર્યું કે, આદર સહિત સર, કદાચ તમે સીનને ખોટી રીતે સમજી રહ્યા છો. જેવું વર્ણન કરવામાં આવ્યું છે, સીન તેનું ઉલ્ટું છે. બાળકી પોતાની મરજીથી ડાન્સ કરી રહી છે. પિતા જોઇને ચોંકી જાય છે અને શરમિંદગી અનુભવે છે. ડાન્સ ઉત્તેજક નથી. બાળકી ફક્ત ડાન્સ કરી રહી છે. તે નથી જાણતી કે સમાજ તેને પણ આવી નજરથી જોશે. સીન એ જ દર્શાવે છે.