૧ હજાર ઇસ્લામી શાળાઓ બંધ કરાશે : મહિંદા રાજપક્ષ
કોલંબો : ધાર્મિક કટ્ટરપંથનો સામનો કરી રહેલ શ્રીલંકા બુરખા પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. મહિંદા રાજપક્ષે સરકારના એક મંત્રીએ શનિવારે જાહેરાત કરી કે શ્રીલંકા જલદી બુરખા પર પ્રતિબંધ લગાવશે. તેમણે તે પણ કહ્યું કે, આ સિવાય ઓછામાં ઓછી ૧ હજાર ઇસ્લામી શાળાઓને બંધ કરવામાં આવશે. શ્રીલંકા સિવાય વિશ્વના અનેક દેશો પણ બુરખા પર પ્રતિબંધ લગાવી ચુક્યા છે. થોડા દિવસ પહેલા સ્વિત્ઝર્લેન્ડે જનમત સંગ્રહ કરી બુરખો પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.
શ્રીલંકાના જાહેર સુરક્ષા મંત્રી સરથ વેરાસેકેરાએ કહ્યુ કે, તેમણે કેબિનેટની મંજૂરી માટે એક બિલ પર સહી કરી છે. આ બિલમાં રાષ્ટ્રીય સુરક્ષાના આધાર પર મુસ્લિમ મહિલાઓના બુરખા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે. જો આ બિલ કેબિનેટમાં પાસ થાય તો શ્રીલંકાની સંસદ તેના પર કાયદો બનાવી શકે છે.
વેરાસેકેરાએ કહ્યુ કે, સરકારે એક હજારથી વધુ મદરેસા ઇસ્લામિક સ્કૂલો પર પ્રતિબંધ લગાવવાની યોજના બનાવી છે. તેમણે તે પણ કહ્યું કે, આ મદરેસા શ્રીલંકાની રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ભંગ કરી રહ્યાં છે. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, કોઈપણ સ્કૂલ ન ખોલી શકે અને બાળકોને તમે જે ઈચ્છો તે ન શીખવાડી શકો.
સરથ વેરાસેકેરાએ કહ્યુ કે, પહેલાના સમયમાં મુસ્લિમ મહિલાઓ અને યુવતીઓ બુરખો પહેરતી નહતી. આ હાલમાં આવેલા ધાર્મિક અતિવાદનો સંકેત છે. અમે ચોક્કસપણે તેના પર પ્રતિબંધ લગાવવા જઈ રહ્યાં છીએ. માનવામાં આવી રહ્યું છે કે આ કાયદાથી શ્રીલંકામાં મુસ્લિમોનો ગુસ્સો વધી શકે છે.