નિર્ભયાકાંડ જેવી ઘટનાથી દેશભરમાં વિરોધ – પ્રદર્શન : વિરોધપક્ષો-બોલીવૂડ કલાકાર વિફર્યા: પ્રકરણને ટાઢુ પાડતા મૃતદેહને ઘેર પણ ન લઇ જવા દેવાયો…
દિલ્હીથી હાથરસ સુધી ઉશ્કેરાટ-ચકકાજામ : મોદી સરકારના ‘મૌન’ સામે સવાલ ઉઠવા લાગ્યા…
હાથરસ : ઉતરપ્રદેશના હાથરસના બુલગઢીની દલિત યુવતી પર સામુહિક દુષ્કર્મ અને હત્યાના કાંડમાં પોલીસે પીડિતાના પરિવારજનો અને ગામ લોકોના વિરોધ વચ્ચે અંતિમ સંસ્કાર કર્યા હતા.સ પરિવારજનો અને ગામ લોકોની માંગણી હતી કે પીડિતાના મૃતદેહને પહેલા તેના ઘેર લઇ જવામાં આવે બાદમાં અંતિમ સંસ્કાર કરવામાં આવે. પરંતુ પોલીસે પીડિતાના ઘરે એમ્બ્યુલન્સ લઇ જવાને બદલે ઘરથી એક કિલોમીટર દુર આવેલા સ્મશાનમાં વિરોધ વચ્ચે પીડિતાના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા.
પીડિતાનો મૃતદેહ ઉતરપ્રદેશના હાથરસના બુલગઢી ખાતે પહોંચાડવામાં આવ્યો હતો. પોલીસે સ્મશાનમાં પીડિતાના અંતિમ સંસ્કાર વિરોધ વચ્ચે કર્યા તે પહેલા પીડિતાના મૃતદેહને તેના ઘરે લઇ જવાની માંગને લઇને તોફાનો-હંગામો શરૂ થયા હતા. પીડિતાના સ્વજનો એમ્બ્યુલન્સની સામે સુઇ ગયા હતા અને માંગ કરી હતી કે પહેલા મૃતદેહને ઘેર લાવવામાં આવે. આ મામલે પોલીસ સાથે ધકકા મુકકી પણ થઇ હતી.
પીડિતાના મોતને લઇને દિલ્હીથી હાથરસ સુધી હંગામો મચ્યો હતો. દિલ્હીમાં દેખાવકારોને જેમ-તેમ સમજાવીને જેમ તેમ રાત્રે સાડા નવ વાગ્યે મૃતદેહને હાથરસ રવાનો કરાયો હતો. મથુરા, આગર, અલીગઢ, ઇટા સહિત અનેક જિલ્લાઓમાં ફોર્સ તૈનાત કરાઇ હતી. પીડિતાનું શબ જયારે રાત્રે 1 વાગ્યે તેના ગામ પહુંચતા જ હંગામો શરૂ થઇ ગયો હતો. ગામ લોકો અને પીડિતાના પરિવારજનોની પીડિતાના શબને ઘેર લાવવાનો આગ્રહ કર્યો હતો. જેનો પોલીસે ઇનકાર કરતા હંગામો મચ્યો હતો. અંતે પરિવારજનો અને ગામ લોકોના વિરોધ વચ્ચે પોલીસે પીડિતાના ઘરથી એક કિલોમીટર દુર સ્મશાનમાં પીડિતાના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા.
મોડી રાત સુધી પોલીસ કમિશનર જીએસ પ્રિયદર્શી, આઇજી પીયુષ મોર્ડિયા, જિલ્લાધિકારી પ્રવીણકુમાર વગેરેએ પરિવારજનોને સમજાવ્યા હતા. ગેંગરેપ પીડિતાના કાકાએ જણાવ્યું હતું કે પોલીસ પીડિતાના મૃતદેહના અંતિમ સંસ્કાર માટે દબાણ કરી રહી હતી. જયારે પીડિતાના મા-બાપ, ભાઇ કોઇ હાજર નહોતો. તેઓ દિલ્હી હતા તેમની ગેરહાજરીમાં અને મોડી રાત્રે અંતિમ સંસ્કાર કરવા અમે નહોતા માગતા.