ન્યુ દિલ્હી : હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે અને તેના કારણે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ઠંડી વધી શકે છે. તે ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં શુક્રવારે અને શનિવારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના વિવિધ શહેરોમાં આજે વહેલી સવારથી સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે. જ્યારે મધ્યપ્રદેશના ભોપાલમાં પણ આજે વહેલી સવારે ધીમી ધારે વરસાદ થયો હતો. રાજસ્થાનમાં ૧૫ ડિસેમ્બર પછી તાપમાન ૪ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. બિહારમાં ૧૫-૧૬ ડિસેમ્બરે વરસાદની શક્યતા છે. તેના કારણે ઠંડીમાં પણ વધારો થશે.
હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે બિહારમાં હાલ ધુમ્મસના કારણે રાહત મળશે નહીં. ડિસેમ્બરના ૧૦ દિવસ પસાર થઈ ગયા છે, પરંતુ દિવસ-રાતનું તાપમાન ઓછું નથી થઈ રહ્યું. અત્યારે ત્યાં વધારે વરસાદ નથી. આ પહેલાં હવામાન વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે લા-નીનાની અસરથી વધારે ઠંડી પડવાની છે. હવે એન્ટી સાઈક્લોન સિસ્ટમ ઉત્તરથી આવતી ઠંડી હવાઓને આગળ વધતાં રોકી રહી છે. આ સંજોગોમાં પશ્ચિમી વિક્ષોભ સંપૂર્ણ રીતે સક્રિય નથી થઈ શકતું. પહાડિ વિસ્તારમાં થતી હિમવર્ષાના કારણે ઘણાં જિલ્લામાં શુક્રવારે અને શનિવારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પઠાણકોટ, ગુરદાસપુર, અમૃતસર, હોશિયારપુર અને નવાંશહરમાં વરસાદ થઈ શકે છે. ૧૩ અને ૧૪ ડિસેમ્બરે ગાઢ ધુમ્મસ અને ઠંડા પવનની શરૂઆત થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પંજાબમાં મિનિમમ ટેમ્પરેચર ૫ ડિગ્રી ઉપર રહી શકે છે. આજે અને કાલે રાજ્યના ઘણાં વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. તેના કારણે પહાડોથી ઠંડી મંદાન વિસ્તાર તરફ આગળ વધી શકે છે. ૧૩ અને ૧૪ ડિસેમ્બરે આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. જ્યારે ૧૭ ડિસેમ્બર પછી વધારે ઠંડી શરૂ થઈ શકે છે. બિહારમાં હમણાં ધુમ્મસથી રાહત મળે તેવી શક્યતા ઓછી છે. સવારે ૧૦ વાગે મોટાભાગના જિલ્લામાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. ૧૫-૧૬ ડિસેમ્બરે હળવો વરસાદ થવાની શક્યતા છે. ત્યારપછી આકાશ સ્પષ્ટ જોવા મળશે અને રાતના તાપમાનમાં ઘટાડો થશે. ત્યારપછી ઠંડી વધશે.