ગાંધીનગર : ગુજરાતમાં ચૂંટણી બાદ ફરીથી કોરોના બેકાબૂ બન્યો છે. અને રાજ્યમાં હાલ રેકોર્ડબ્રેક કેસો સામે આવી રહ્યા છે. ગત રોજ પણ રાજ્યમાં વિક્રમી ૧૭૦૦થી વધારે કેસો નોંધાયા હતા. તેવામાં આગામી તહેવાર હોળી અને ધૂળેટીને લઈને સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે.
જેમાં રાજ્યમાં મર્યાદિત સંખ્યામાં સાથે લોકો હોળી પ્રગટાવી શકાશે. હોળીમાં પ્રદક્ષિણા અને ધાર્મિક વિધી કરી શકાશે. ધુળેટીની જાહેરમાં ઉજવણી, કાર્યક્રમને મંજૂરી નહીં. હોળી – ધુળેટીને લઈ ગૃહ વિભાગની માર્ગદર્શિકા જાહેર કરી છે. અને તેને લઈને તમામ કલેક્ટર, પોલીસ વડાઓને સૂચના અપાય છે.
ગુજરાત સરકારે પોલીસ કમિશનર, મેજીસ્ટ્રેટ સહિતના પોલીસ અધિકારીઓને પત્ર લખીને જણાવ્યું છે કે, સામાન્ય સંજોગોમાં હોળી-ધૂળેટીના તહેવારોની ઉજવણી માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકત્રિત થતાં હોય છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની કોરોના સંક્રમણ વધવાની શક્યતા છે. આથી રાજ્યમાં હાલમાં કોરોનાની સ્થિતિને જોતાં હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે તેમજ હોળીની પ્રદશિણાની સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. પરંતુ હોળી દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ન થાય તથા કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે. આ ઉપરાંત ધૂળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામૂહિક કાર્યક્રમને મંજૂરી આપી શકાશે નહીં.