ગાંધીનગર : જીવલેણ કોરોના વાઈરસની કોઈ વૅક્સીનના શોધાય, ત્યાં સુધી તકેદારી દાખવવી તે એક માત્ર ઉપાય છે. કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે સરકારે દરેક જણને માસ્ક પહેરવાનો આદેશ આપ્યો છે. જો કોઈ માસ્ક નથી પહેરતુ તેને દંડ કરવામાં આવે છે. કોરોના મહામારીથી લોકોને બચાવવા માટે સરકારે તમામ માસ્ક પહેરવાનો આદેશ આપ્યો છે અને જો કોઈ માસ્ક નથી પહેરતું, તે તેને દંડ કરવામાં આવે છે. જો કે હવે આ દંડ પ્રજાજનો પર એક ભારરૂપ બનીને રહી ગયો છે. ૧૦ રૂપિયાનું આ માસ્ક ના પહેરવાના કારણે ગુજરાતના નાગરિકોએ છેલ્લા ૩ મહિનામાં ૬૦ કરોડ રૂપિયાનો દંડ સરકારના રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવ્યો છે. હકીકતમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં લોકો કોરોના સંકટમાં તકેદારીઓ નથી દાખવી રહ્યાં.
જ્યારે હેલ્થ એક્સપોટ્ર્સનું કહેવું છે કે, આવા કપરા સમયમાં જાહેર સ્થળો પર થૂંકવાથી બચવું જોઈએ અને હંમેશા મોઢું ઢંકાય તેમ માસ્ક પહેરવું જોઈએ, નહીં તો કોરોના ફેલાઈ શકે છે. અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓ કોરોના સંકટ સામે જજૂમી રહ્યાં છે અને સરકાર તરફથી જાહેર કરેલી કોવિડ ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન કરે છે. આથી જ આવા બેદરકાર લોકોને સબક શીખવવા માટે સરકાર તરફથી આકરો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે. કોરોનાથી પરેશાન પ્રજાજનો પાસેથી માસ્ક ના પહેરવા અને પબ્લિક પ્લેસમાં થૂંકવા બદલ દંડ વસૂલવામાં આવે છે. ૧ જુલાઈથી શરૂ થયેલા દંડ વસૂલવાની કામગીરીને આજે ૧૦૦ દિવસ થઈ ચૂક્યાં છે. આ ૧૦૦ દિવસોમાં અનેક લોકોએ નિયમ ભંગ કરવા બદલ દંડાયા છે.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢ જેવા શહેરી વિસ્તારોમાં ખાસ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં, જ્યાં કોરોના સંક્રમણનું સૌથી વધુ જોખમ છે, ત્યાં પોલીસ સખ્તી પૂર્વક દંડ વસૂલ કરે છે. આ અંગે ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું કે, ટ્રાફિક અને શહેર પોલીસ દરરોજ અંદાજિત ૨૦૦૦ લોકો પાસેથી દંડ વસૂલે છે. આ સિવાય પ્રતિદિન ૧૦૦ જેટલી ગાડીઓ ડિટેઈન પણ કરવામાં આવે છે. લોકોનું સ્વાસ્થ્ય ઠીક રહે, તે માટે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા દરરોજ લોકોને માસ્ક પહેરવા માટે જાગૃત કરવામાં આવે છે. આમ છતાં અનેક ગુજરાતીઓને આ વાત સમજાઈ નથી રહી અને તેઓ સરકારની તિજોરી ભરી રહ્યાં છે. છેલ્લા ૧૦૦ દિવસોમાં ગુજરાતીઓએ ૬૦ કરોડ રૂપિયા નિયમ ભંગ કરવાના આપ્યાં છે.