Charotar Sandesh
ઈન્ડિયા

૧૦ ટકાના જીડીપી ગ્રોથ સાથે મોદી સરકારનું ફૂલગુલાબી બજેટ…

સતત બીજી વાર સીતારમણે નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું…

ગ્રામિણ-ગરીબ-ખેડૂતોને ખુશ કરવાનો પ્રયાસ,મધ્યમ વર્ગને ઇન્કમ ટેક્ષમાં રાહત,ખેડૂતો માટે શરૂ થશે કિસાન ઉડાન અને કિસાન રેલ યોજના,સ્વાસ્થ્ય,શિક્ષણ,સ્ટાર્ટઅપ પર કરોડો રૂપિયા ફાળવાયા…

ન્યુ દિલ્હી : એનડીએ સરકારના નાણામંત્રી નિર્મલા સિતારામને આજે સંસદમાં અત્યારસુધીનું સૌથી લાંબુ નાણાંકિય વર્ષ ૨૦૨૦-૨૧ માટેનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં દેશવાસીઓની આવક અને ખરીદશક્તિ વધારવાની નેમ સાથે અર્થતંત્રની રિકવરી માટે કેટલાંક પગલાં ભરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કૃષિ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર માટે કેટલીક મહત્તની દરખાસ્તો કરી હતી. જેમાં દેશમાં નવી શિક્ષણનીતિ, શિક્ષણ ક્ષેત્રે કંપનીઓની જેમ સીધુ વિદેશી મૂડીરોકાણને મંજૂરી. ૫ લાખ સુધીની આવક પર શરતો સાથે શૂન્ય ટેક્સ સહિત વિકલ્પવાળી યોજના, ખેડૂતો માટે ૧૬ મુદ્દાની યોજના, કિસાન રેલ, તેજસ જેવી વધુ ટ્રેનો દોડાવવી, સહકારી બેંકોમાં વીમા સુરક્ષિત રકમ ૧ લાખથી વધારીને ૫ લાખ કરવવાની રાહત, જનભાગીદરીથી ૫ સ્માર્ટ શહેરોનું નિર્માણ, દરેક જિલ્લામાં હોસ્પિટલ સાથે એક મેડિકલ કોલેજ, ૨૦ લાખ ખેડેતોને સોલાર પંપ, ઘરોમાં હવે વીજળી કંપનીની પસંદગીની સાથે મોબાઇલ ફોનની જેમ પ્રિપેઇડ વીજ મીટરની યોજના, ઉડાન યોજના હેઠળ ૧૦૦ નવા એરપોર્ટ બનાવવા, ૨૦૨૧માં ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રા માટે ૧.૭ લાખ કરોડની ફાળવણી સહિત સૌથી મોટી સરકારી વીમા કંપની એલઆઇસીમાંથી સરકારનો હિસ્સો વેચવા આઇપીઓ અને આઇડીબીઆઇ બેંકમાંથી પણ સરકારનો હિસ્સો વેચવા સહિતની સંખ્યાબંધ જાહેરાતો કરી હતી. જો કે ૧૬૦ મિનિટ લાંબા આખા બજેટમાં નાણામંત્રીએ નવા નાણાંકિય વર્ષમાં કેટલાને રોજગારી મળશે તેનો કોઇ જ ઉલ્લેખ નહીં કરતાં તેઓ વિપક્ષોની ટીકાનો ભોગ બન્યા હતા. સતત અઢી કલાક ઉભા રહીને બજેટ વાંચન દરમ્યાન નાણામંત્રીની તબિયત બગડી ગઇ હતી. અને માત્ર બે જ પાના વાંચવાના બાકી રહેતા તેઓ ભર શિયાળે તેમના માથે પરસેવો વળ્યો હતો અને તેમણે અધ્યક્ષ પાસેથી મંજૂીરી લઇને બાકીના બે પાનાં વંચાણે લીધાની જાહેરાત કરાવીને ભાષણ ટૂંકાવવાની ફરજ પડી હતી. ગઇકાલે આર્થિક સર્વે અહેવાલમાં ૨૦૨૦-૨૧ના વર્ષમાં જીડીપી દર ૬થી ૬.૫ ટકા રહેવાનો અંદાજ રજૂ કરનાર નાણામંત્રીએ આજે બજેટમાં ૨૦૨૦-૨૧ના વર્ષમાં જીડીપી ૧૦ ટકા રહેવાની જાહેરાત કરતાં જીડીપીની ચોક્સ અનુમાનિત દર અંગે વિરોધાભાસ પણ જોવા મળ્યો હતો. જો કે મોદી સરકાર ૨.૦નું બીજુ બજેટ શેરબજારના રોકાણકારો માટે ભારે નિરાશાજનક રહ્યું હતું. અને એક અંદાજ પ્રમાણે રોકાણકારોના ૪ લાખ કરોડ ધોવાઇ ગયાના અહેવાલ છે.

નાણામંત્રી નિર્મલા સિતારામન ૧૧ વાગે સંસદમાં બજેટ(ખાતાબહી) રજૂ કરતાં પહેલા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા અને તેમની મંજૂરી બાદ કેબિનેટમાં મહોર લગાવીને સંસદ ભવન પહોંચ્યા હતા. અને બરાબર ૧૧-૦૦ ના ટકોરે બજેટ પ્રવચન વાંચવા ઉભા થયા હતા.
બજેટ ૨૦૨૦થી શરૂ થયેલા નવા દાયકાનું પ્રથમ બજેટ છે એમ કહીને તેમણે બજેટ વાંચનની શરૂઆત કરી હતી. નાણાં મંત્રીએ કરદાતાઓને મોટી રાહત આપતી વખતે કર કાયદા સરળ બનાવવા માટે નવી વૈકલ્પિક વ્યક્તિગત આવકવેરા પ્રણાલી રજૂ કરી હતી.

આ અંતર્ગત ૨.૫ લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત રહેશે. ૨.૫ થી પાંચ લાખ સુધીની આવક પર પાંચ ટકાના દરે વેરો વસૂલવામાં આવશે, પરંતુ આ મર્યાદા સુધીની આવક પર ૧૨,૫૦૦ રૂપિયાની મુક્તિને કારણે વેરો લાદવામાં આવશે નહીં.
પાંચથી સાડા સાત લાખ રૂપિયા સુધીની આવક પર ૧૦ ટકા, સાતથી સાડા સાત લાખ રૂપિયા સુધીની આવક પર ૧૫ ટકા, ૧૦-૧૨.૫ લાખ રૂપિયા સુધીની આવક પર ૨૦ ટકા અને ૧૨.૫ થી ૧૫ લાખ રૂપિયા સુધીની આવક પર ૨૫ ટકા. દરે આવકવેરા સૂચવવામાં આવે છે. ૧૫ લાખ રૂપિયાથી વધુની આવક પર ૩૦ ટકાના દરે આવકવેરો લાગૂ પડશે.

સરકારે તેના ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામના ભાગરૂપે પ્રારંભિક જાહેર તકો (આઈપીઓ) દ્વારા દેશની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઈસી) માં તેના કેટલાક હિસ્સાને વેચવાની જાહેરાત કરી છે. નાણામંત્રી સીતારામને લોકસભામાં ૨૦૨૦-૨૧ ના બજેટ ભાષણ વાંચતી વખતે આ દરખાસ્ત કરી હતી. તેમણે કહ્યું કે એલઆઈસી સ્ટોક એક્સચેંજમાં સૂચિબદ્ધ થશે. સૂચિબદ્ધ થવાથી કંપનીઓમાં નાણાકીય શિસ્તમાં વધારો થાય છે, એવો દાવો તેમણે કર્યો હતો. હાલમાં એલઆઈસીનો સંપૂર્ણ હિસ્સો સરકાર પાસે છે.
નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે અમારી સરકારમાં અર્થવ્યવસ્થાનો પાયો મજબૂત છે, ફુગાવા નિયંત્રણમાં છે અને બેંકોની કામગીરી પણ સંતોષજનક છે.
નાણામંત્રીએ શનિવારે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટેનું બજેટ રજૂ કરતાં કહ્યું કે અમારો હેતુ લોકોની આવક અને ખરીદ ક્ષમતા વધારવાનો છે.

તેમણે કહ્યું કે સરકારે વર્ષ ૨૦૧૪-૧૯ દરમિયાન વ્યાપાર- ધંધાના કામકાજમાં મોટો ફેરફાર કર્યો છે. ચીજવસ્તુઓ અને સેવાઓ વેરાને(જીએસટી) ઐતિહાસિક માળખાકીય સુધારા ગણાવતાં તેમણે કહ્યું કે આનાથી દેશ આર્થિક રીતે એકીકૃત બન્યો છે. જીએસટી નું સરળ રિટર્ન ફોર્મ એપ્રિલ ૨૦૨૦ થી રજૂ કરવામાં આવશે.
લોકસભામાં તેમના કાર્યકાળનું બીજું બજેટ રજૂ કરતી વખતે તેમણે કહ્યું કે જીએસટીએ ઇન્સ્પેક્ટર રાજને નાબૂદ કરી દીધા છે અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે મદદ કરી છે. તેમણે કહ્યું કે આને કારણે ગ્રાહકો ૧ લાખ કરોડ રૂપિયાની બચત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, જીએસટીના અમલ પછી, ભારતમાં દરેક પરિવારના માસિક ખર્ચમાં સરેરાશ ચાર ટકાની બચત થઇ છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં બે લાખ નવા કરદાતાઓને જીએસટીમાં ઉમેરવામાં આવ્યા છે. આ અંતર્ગત ૪૦ કરોડ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે અને ૧૦૫ કરોડ ઇ-વે બિલ બનાવવામાં આવ્યા છે.

ભારત હવે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે એમ કહીને તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારનું દેવું કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) ના ૪૮.૭ ટકા પર આવી ગયું છે. માર્ચ ૨૦૧૪ માં તે ૫૨.૨ ટકા હતો. વર્ષ ૨૦૧૪-૧૯ દરમિયાન સરેરાશ વિકાસ દર ૭.૪ ટકાથી વધુ હતો. આ સમયગાળા દરમિયાન સરેરાશ ફુગાવો ૪.૫.. ટકા હતો.
સીતારામને પોતાના બજેટ ભાષણમાં સસ્તી હોમ્સ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) અને આયુષ્માન ભારત જેવી અનેક કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.
દરમ્યાન સૂત્રોએ કહ્યું કે આખા બજેટમાં આગામી નાણાંકિય વર્ષમાં બજેટ જોગવાઇને કારણે કેટલાને રોજગારી મળશે, કેટલી નવી રોજગારીઓની તકો ઉભી થશે તેવો ઉલ્લેખ ટાળવામાં આવ્યો હોવાનું મનાય છે. કેમ કે રોજગારીના મુદ્દે મોદી સરકાર છેલ્લાં ઘણાં સમયથી વિપક્ષોના નિશાન પર છે.

Related posts

શેરબજારના બિગબુલ રાકેશ ઝૂનઝૂનવાલાનું નિધન : મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધો અંતિમ શ્વાસ

Charotar Sandesh

શ્રીનગરના પારિંપોરામાં અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા…

Charotar Sandesh

કોરોના વાયરસ મહામારી જાહેર કર્યો, ૧ જ દિવસમાં વિશ્વમાં ૩૨૦ના મોત…

Charotar Sandesh