વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આશા વ્યક્ત કરી…
પ્રથમ તબક્કામાં હેલ્થવર્કર્સ બાદ ફ્રંટ લાઇન પર કામ કરનાર લોકોને આ વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે…
જિનિવા : કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આ સમાચાર તમને રાહત આપી શકે છે. ડબલ્યુએચઓએ આશા વ્યક્ત કરી છે કે ૨૦૨૧ના પ્રથમ ક્વાર્ટર સુધી ૫૦ કરોડ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવશે. સંગઠને શુક્રવારે વેક્સિન વિતરણના રોડમેપ જારી કરતા કહ્યુ કે, કોવેક્સ કાર્યક્રમમાં સામેલ ૧૮૯ દેશોમાં રસીના સમાન વિતરણને નક્કી કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યુ કે, વેક્સિન વિતરણના પ્રારંભિક તબક્કામાં વધુ જોખમ વાળા ક્ષેત્રને પ્રાથમિકતા આપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં હેલ્થવર્કર્સ બાદ ફ્રંટ લાઇન પર કામ કરનાર લોકોને આ વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ બંન્ને ગ્રુપને વેક્સિન આપ્યા બાદ સીનિયર સીટિઝનને નક્કી કરવામાં આવશે. ડબ્લ્યૂએચઓનું કહેવું છે કે પ્રથમ તબક્કામાં વિશ્વના આશરે ૨૦ ટકા લોકોને વેક્સિનના ડોઝ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય છે. ડબલ્યુએચઓના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથનનું કહેવું છે કે કોરોના વાયરસના હાઈ ઝોનમાં રહેતા ૨૦ ટકા લોકો પર તેમની પ્રથમ નજર છે. તેમાં સ્વાસ્થ્ય કર્મી અને ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના લોકો સામેલ છે. મહત્વનું છે કે દુનિયામાં કોરોના મહામારીના ઉપચારમાં લાગેલા લાખો કર્મચારી પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. બીજુ કોરોના વાયરસથી વધુ મૃત્યુ વૃદ્ધ લોકોના થઈ રહ્યાં છે. ખાસ કરીને ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના લોકો પર કોરોના વાયરસનો વધુ પ્રકોપ રહ્યો છે. તેનું મોટું કારણ તેની નબળી ઇમ્યુન સિસ્ટમ છે.
વૈજ્ઞાનિકે કહ્યું કે, ૨૦૨૧ના અંત સુધી આશરે બે અબજ લોકોને કોરોના વેક્સિનના ડોઝ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે કહ્યું કે, આ ડોઝ કોરોના મહામારીના પ્રસારને રોકવામાં પર્યાપ્ત હશે. તેમણે કહ્યું કે, ૨૦૨૧ના અંત સુધીમાં મહામારી પર કાબુ મેળવી લેવાશે. તેનાથી મોતના આંકડામાં પણ ઘટાડો થશે.