USA : ૨૦૨૦ની રાષ્ટ્રપતિપદની ચૂંટણી હારી જનાર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૪ની ચૂંટણીમાં ફરી ઝંપલાવશે તેવા દાવાથી સનસનાટી મચી છે.
ગયા વર્ષે યોજાયેલી અને વિવાદોથી ભરપૂર રહેલી ચૂંટણીમાં ટ્રમ્પને જો બાઈડેને હરાવ્યા હતા.જોકે ટ્રમ્પ બહુ જલ્દી હાર માની લે તેમ લાગતુ નથી. ટ્રમ્પે ભલે ૨૦૨૪માં ચૂંટણી લડશે કે નહીં તે અંગે કોઈ જાહેરાત ના કરી હોય પણ ટ્રમ્પના પૂર્વ સલાહકાર સ્ટીવ બેનને શનિવારે જાહેરાત કરી હતી કે, ટ્રમ્પ ૨૦૨૪માં યોજાનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઝુકાવશે. જોકે ટ્રમ્પ દ્વારા આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
બેનન ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન તેમના પહેલા પ્રેસ સેક્રેટરી રહ્યા હતા. એક ટીવી શોમાં તેમણે કહ્યુ હતુ કે, ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ફરી મેદાનમાં ઉતરશે અને આ વાતમાં કોઈને શંકા હોવી જોઈએ નહીં. તેમણે કહ્યુ હતુ કે, ડોનાલ્ડ ટ્રમ્પની કંપની પર ટેક્સ મામલે છેતરપિંડી કરવાના જે પણ આરોપ લગાવાયા છે તે બોગસ છે. આ ન્યૂયોર્કના ડિસ્ટ્રિક્ટ એટોર્ની, એટોર્ની જનરલ દ્વારા રચવામાં આવેલુ ષડયંત્ર છે. જોકે આ આરોપો પછી પણ ટ્રમ્પ રોકાવાના નથી.
ઉલ્લેખનીય છે કે, ન્યૂયોર્ક રાજ્યની સરકાર તરફથી ટેક્સ ચોરીના આરોપ લગાવવામાં આવ્યા છે. જેમાં કહેવાયુ છે કે, ટ્રમ્પની કંપનીએ એપાર્ટમેન્ટના રેન્ટ, કાર અને સ્કૂલ ફી ભરીને અધિકારીઓને ૧.૭ મિલિયન ડોલરથી વધારેનો ફાયદો કરાવ્યો હતો પણ આ ચૂકવણી કોઈ રેકોર્ડ પર નથી. ન્યૂયોર્કના અધિકારીઓ બે વર્ષથી ટ્રમ્પના વ્યવસાયિક વ્યવહારોની તપાસ કરી રહ્યા છે. જોકે આ મામલામાં ટ્રમ્પ પર કોઈ સીધા આરોપ નથી લગાવાયા.
- Naren Patel