વેચાણ દસ્તાવેજની એક એન્ટ્રી પાડવા માટે માંગેલી લાંચની ૨૦ હજારની રકમ…
આણંદ : આણંદ એસીબીએ બોરસદની મામલતદાર કચેરીએ લાંચના છટકાનું આયોજન ગોઠવીને નાયબ મામલતદારને (સર્કલ ઓફિસરને) વેચાણ દસ્તાવેજની એક એન્ટ્રી પાડવા માટે માંગેલી લાંચની ૨૦ હજારની રકમ લેતાં રંગેહાથે ઝડપી પાડતાં મહેસૂલી અધિકારીઓમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી એવા એક જાગૃત નાગરિક ખેડૂત છે અને બ્રીટન ખાતે રહેતા તેમના સંબંધીએ બોરસદ તાલુકાના વાસણા ગામે જમીન વેચાતી રાખી હતી. જેના પાવર ઓફ એટર્ની ફરિયાદી ખેડૂતને આપવામાં આવ્યા હતા. જેથી તેમણે બોરસદની મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર-૧ તરીકે ફરજ બજાવતા નાયબ મામલતદાર મયુરકુમાર રામુભાઈ મકવાણાને વેચાણ દસ્તાવેજ અંગેની હક્કપત્રકમાં નોંધ કરવા માટે અરજી કરી હતી. આ અરજીમાં નાયબ મામલતદાર મયુરકુમાર મકવાણાએ બે થી ત્રણ જેટલી ક્વેરી કાઢી હતી અને તેમને રૂબરૂ બોલાવીને અરજી નામંજૂર કરવી પડશે, જો અરજી મંજૂર કરવી હોય તો ૨૫ હજારની લાંચ આપવી પડશે તેમ જણાવ્યું હતું. રકઝકના અંતે ૨૦ હજારમાં સોદો નક્કી થયો હતો.
ખેડૂતને લાંચની રકમ આપવી ના હોય તેમણે આણંદ એસીબીનો સંપર્ક સાધ્યો હતો અને સઘળી વિગતો જણાવી હતી. જે અનુસાર પીઆઈ આર. સી. રાણા અને તેમની ટીમે આજે લાંચના છટકાનું આયોજન ગોઠવ્યું હતુ. આજે ખેડૂત લાંચની રકમ લઈને બોરસદની મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને મયુરકુમાર મકવાણાને લાંચની રકમ આપતાં જ છટકામાં ગોઠવાયેલા એસીબીના અધિકારીઓ અને કર્મચારીઓ ત્રાટક્યા હતા અને નાયબ મામલતદારને લાંચે લેતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા. બોરસદના નાયબ મામલતદાર લાંચ લેતા રંગેહાથે ઝડપાયા હોવાની જાણ મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓને વાયુવેગે ખબર પડતાં જ સરકારી કચેરીઓમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. એસીબી પોલીસે આ અંગે પકડાયેલા મયુરકુમાર મકવાણા વિરૂધ્ધ ભ્રષ્ટ્રાચાર અધિનિયમનની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.
- Jignesh Patel, Anand