વડાપ્રધાને આયુર્વેદ દિવસ પર બે આયુર્વેદ સંસ્થાન રાષ્ટ્રને સમર્પિત કરી
જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો, આયુર્વેદની લોકલ શક્તિ માટે દુનિયાભરમાં વોકલ થવુ પડશે, દેશના ખૂણે ખૂણે બની રહ્યા છે વેલનેસ સેન્ટર
ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાંચમા આયુર્વેદ દિવસ પર આયુર્વેદ સંસ્થાઓ- ગુજરાતના જામનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ અને જયપુરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદને રાષ્ટ્રને સમર્પિત કરી છે.
ગુજરાતમાં આજે ધનતેરસની મોટી ભેટ મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જામનગરની આર્યુવેદ યુનિવર્સિટીનું લોકાર્પણ કરાયું છે. જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને તાજેતરમાં જ રાષ્ટ્રીય દરજ્જો અપાયો છે. ત્યારે આયુર્વેદ દિવસ પર ગુજરાતને સ્વાસ્થયને લગતો આ મોટો ઉપહાર બની રહેશે. કોરોનાકાળમાં પણ દુનિયા ભારતના આયુર્વેદનું મહત્વ સમજી ગઈ છે. તો સાથે જ તેઓએ ગુજરાતીઓને ધનતેરસની શુભેચ્છાઓ આપીને સંબોધન કર્યું હતું.
તેઓએ કહ્યું હતું કે, ધન્વન્તરી આયુર્વેદના દેવતા ગણાય છે. આયુર્વેદની રચના તેમના આર્શીવાદથી થઈ છે. આ વર્ષનો આયુર્વેદ દિવસ ગુજરાત અને રાજસ્થાન માટે વિશેષ છે. યુવાઓ માટે પણ વિશેષ છે. આજે જામનગરમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઓફ આયુર્વેદને રાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે. રાજસ્થાનની ઈન્સ્ટિટ્યૂટને પણ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે લોકાર્પણ કરાયું છે. આયુર્વેદની આ બેસ્ટ યુનિવર્સિટીઓ માટે અભિનંદન. આયુર્વેદ ભારતનો વારસો છે, જેના વિસ્તારમાં સમગ્ર માનવતાની ભલાઈ છે. આપણુ પારંપરિક જ્ઞાન હવે અન્ય દેશોને પણ સમૃદ્દ કરી રહ્યું છે. બ્રાઝિલની રાષ્ટ્રીય નીતિમાં આયુર્વેદ સામેલ થયું છે. ભારતના અમેરિકા અને જર્મની સાથેના સંબંધો આ મામલે વધી રહ્યાં છે. ડબલ્યુએચઓએ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિનલ મેડિસીનની સ્થાપના માટે ભારતને પસંદ કર્યું છે, હવે ભારતમાંથી આ ક્ષેત્રે કામ થશે. આ માટે ડબલ્યુએચઓનો હું આભારી છું. જે રીતે ભારત ફાર્મસી ઓફ વર્લ્ડ તરીકે ઉભરાયું છે, તે જ રીતે પારંપારિક ચિકિત્સાનું સેન્ટર પર ગ્લોબલ વેલનેસનું સેન્ટર બનશે. ભારતને નવી ઊંચાઈએ લઈ જશે.
આયુર્વેદ વિશે તેઓએ કહ્યું કે, આયુર્વેદનો મોટો વારસો છે. પણ સત્ય એ પણ છે કે, આ જ્ઞાન પુસ્તકો અને દાદી-નાની નુસ્ખામાં રહ્યું છે. આ જ્ઞાનને આધુનિક સમય પ્રમાણે વિકસિત કરવું જરૂરી છે. તેથી દેશમાં પહેલીવાર આપણી પુરાતન ચિકિત્સાના જ્ઞાનને ૨૧મી સદીના આધુનિક વિજ્ઞાન સાથે જોડવામાં આવી રહ્યું છે. ત્રણ વર્ષ પહેલા જ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાની સ્થાપના કરાઈ છે. લેહમાં એક સંસ્થા બની રહી છે. ગુજરાત અને રાજસ્થાન પણ હવે આ ક્ષેત્રે કામ કરશે. જ્યારે કદ વધે છે તો દાયિત્વ પણ વધે છે. આયુર્વેદ ભૌતિકી અને રસાયણ શાસ્ત્રને લઈને રિસર્ચ કરો, જેથી ઈન્ટીગ્રેટેડ ડોક્ટરલ અને પોસ્ટ ડોક્ટરલ બનાવવા માટે કામ કરી શકાય. દેશના સ્ટાર્ટઅપે આયુર્વેદના ગ્રોથનો સ્ટડી કરવો જોઈએ. આયુર્વેદની લોકલ શક્તિ માટે તમારે દુનિયાભરમાં વોકલ થવુ પડશે.
તેમણે કહ્યું કે, એલોપથી સાથે આયુર્વેદને જોડવાનો પ્રયાસ કરાયો છે. ૨૧મી સદીનું ભારત ટુકડોમાં નહિ, પણ હોલિસ્ટીક રીતે વિચારે છે. હેલ્થ સાથે જોડાયેલ બાબતોને પણ હોલિસ્ટિક એપ્રોચથી સોલ્વ કરવામાં આવી રહી છે. પ્રિવેનટીવ હેલ્થકેર પર વેલનેસ વધુ ફોકસ કરવામાં આવી રહ્યું છે. એક તરફ સ્વચ્છ, પ્રદૂષણ, પોષણ મામલે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, તો દોઢ લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દેશના ખૂણે ખૂણે તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ૧૨૫૦ થી વધુ સેનટર આયુર્વેદ સાથે જોડાયેલા છે. વેલનેસનું આ ભારતીય દર્શન દુનિયાને આકર્ષિત કરી રહ્યું છે. ભારતની આ પારંપરિક વિદ્યા કેટલી કારગત છે તે બતાવવું છે. કોરોના માટે કોઈ પ્રભાવી રીત ન હતી, ત્યારે ભારતના ઘર-ઘરમાં હળદર-દૂઘ, કાઢા જેવા ઈમ્યુનિટી ઉપાય બહુ જ કામમાં આવ્યા.
સ્વાસ્થય ક્ષેત્રે ગુજરાતને બે મોટી ભેટ મળી છેઃ રૂપાણી
આ પ્રસંગે સીએમ રૂપાણીએ કહ્યું કે, ગુજરાત અને દેશ માટે આયુર્વેદ ક્ષેત્રે ગુજરાતને મળતી આ ભેટ ખૂબ ગર્વની વાત છે. જામનગરમાં આઇટીઆરએ અને રાજકોટમાં એઇમ્સ આરોગ્ય ક્ષેત્રે બે સક્ષમ સંસ્થાની ગુજરાતને ભેટ મળી છે. આ પ્રસંગે ડબલ્યુએચઓના પ્રતિનિધિએ પણ વીડિયોના માધ્યમથી આયુર્વેદ દિવસ પર શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.