કોરોના સંક્રમિતોનો કુલ આંકડો ૮૨,૨૯,૩૧૩ સુધી પહોંચ્યો, કુલ મોત ૧,૨૨,૬૦૭
અત્યાર સુધીમાં ૧૧,૦૭,૪૩,૧૦૩ સેમ્પલ ટેસ્ટિંગ
ન્યુ દિલ્હી : દેશ અને દુનિયામાં કોરોના વાયરસ સંકટ હજુ પણ છવાયેલું છે. ભારતમાં તહેવારોની સીઝન છે આવામાં સતર્કતા વધી છે. સમગ્ર દેશમાં રોજેરોજ આવતા કેસમાં ભલે છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો હોય પરંતુ દિલ્હી સહિત એવા કેટલાક રાજ્યો છે જ્યાં કોરોનાએ ચિંતા વધારી છે. લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૫,૨૩૦ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા ૮૨,૨૯,૩૧૩ થઈ છે. જેમાંથી ૫,૬૧,૯૦૮ લોકો હજુ પણ સારવાર હેઠળ છે, જ્યારે ૭૫,૪૪,૭૯૮ લોકો સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી ૪૯૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૧,૨૨,૬૦૭ પર પહોંચ્યો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં દેશમાં ૧૧,૦૭,૪૩,૧૦૩ કોરોના ટેસ્ટ થયા છે. જેમાંથી ગઈ કાલે એટલે કે ૧ નવેમ્બરના રોજ ૮,૫૫,૮૦૦ સેમ્પલ ટેસ્ટ હાથ ધરાયા હતા.
અત્રે જણાવવાનું કે દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે. જે ચિંતાજનક છે. જ્યાં રોજ એક કે બે હજાર કેસ આવતા હતા ત્યાં હવે રોજના ૫ હજારથી વધુ કેસ આવી રહ્યા છે. રવિવારે પણ દિલ્હીમાં ૫૬૦૦થી વધુ કેસ નોંધાયા. આ સાથે જ દિલ્હીના કુલ કોરોના કેસની સંખ્યા ૩.૯૨ લાખ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં દિલ્હીમાં ૬૫૬૨ જેટલા લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.
દેશમાં કોરોનાનો રિકવરી રેટ ૯૧.૭% ચાલી રહ્યો છે. જ્યારે મૃત્યુદર ૧.૫ ટકા પર છે. ડેલી પોઝિટિવિટી રેટ ૫.૩ ટકા પર છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોનાના કુલ ૮,૫૫,૮૦૦ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આ સાથે અત્યાર સુધી દેશમાં કુલ ૧૧,૦૭,૪૩,૧૦૩ કોરોના ટેસ્ટિંગ થઈ ચૂક્યાં છે.