કૈલાશ ખેર, પાર્થિવ ગોહિલ, પુરૂષોતમ ઉપાધ્યાય, કિંજલ દવે અને કિર્તિદાન ગઢવી પર્ફોર્મ કરશે…
અમદાવાદ : ટ્રમ્પ અને મોદીની ૨૪ ફેબ્રુઆરીની અમદાવાદ મુલાકાતને લઈ પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે. ખાસ કરીને અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનાર ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને મીડિયા ટીમ સાથે પોલીસ અધિકારીઓ અને જીસીએના હોદ્દેદારોએ તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું. જો કે ૨૪ ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન થશે નહીં માત્ર ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ જ યોજાવાનો છે. આ અંગે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના વાઈસ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણીએ સ્ટેડિયમના ઉદ્ઘાટન અંગે જણાવ્યું કે, આ કાર્યક્રમ ટ્રમ્પના ભવ્ય સ્વાગત માટે છે સ્ટેડિયમનું ઉદ્ઘાટન થશે નહીં. આ કાર્યક્રમમાં કૈલાશ ખેર, પાર્થિવ ગોહિલ, પુરૂષોતમ ઉપાધ્યાય, કિંજલ દવે અને કિર્તિદાન ગઢવી સહિત અન્ય કલાકારો પણ પર્ફોર્મ કરશે.
મોટેરા સ્ટેડિયમમાં ૧ લાખ ૧૦ હજાર પ્રેક્ષકો વચ્ચે મોદી અને ટ્રમ્પનો ખાસ કાર્યક્રમ યોજાવાનો છે તેની સલામતી અને સુરક્ષાની સાથે સરળતાથી પ્રવેશ મળી શકે તે માટેની વ્યવસ્થાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. મોટેરા સ્ટેડિયમ તૈયાર થયા બાદ સૌ પ્રથમવાર અંદરનો નજારો જોવા મળ્યો છે.આ ઉપરાંત સ્ટેડિયમની આસપાસ આવેલા પાર્કિંગ પ્લોટમાં કોર્પોરેશન દ્વારા ટોઈલેટવાન અને મેડિકલ વાન પણ મૂકી દેવામાં આવી છે.
વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ તૈયાર થઇ ગયું છે. અંદાજે રૂ.૮૦૦ કરોડના ખર્ચે ૬૩ એકરમાં બનેલા આ સ્ટેડિયમમાં ૧ લાખ ૧૦ હજાર લોકો એક સાથે બેસીને ક્રિકેટની મજા માણી શકશે. મેઈન ગ્રાઉન્ડ ઉપરાંત અન્ય બે ગ્રાઉન્ડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ જુદા જુદા પ્રકારની ૧૧ પીચ અને ૩૦૦૦ કાર, એક હજાર ટૂ વ્હીલર પાર્ક કરી શકાય તે માટે પાર્કિંગ બનાવ્યું છે.