મુંબઈ : સુશાંત સિંહ રાજપૂતની ૨૦૧૩માં આવેલ ડેબ્યુ ફિલ્મ કાઈ પો છેના ડિરેક્ટર અભિષેક કપૂર તેને સ્પેશિયલ ટ્રિબ્યુટ આપવાના છે. અભિષેકની પત્ની પ્રજ્ઞા કપૂર એનજીઓ એક સાથઃ ધ અર્થ ફાઉન્ડેશન મારફતે ૩,૪૦૦ ગરીબ પરિવારને જમાડશે. પ્રજ્ઞાએ આ વાતની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર આપતા લખ્યું કે, સુશાંતની યાદમાં એક સાથ ફાઉન્ડેશન ૩૪૦૦ ગરીબ પરિવારને જમાડવા માટે પ્રણ લે છે. લોકડાઉન ભલે પૂરું થઇ ગયું છે પણ નોકરીઓ જઈ રહી છે ને આવક બંધ થઇ ગઈ છે માટે અમારો પ્રયાસ આગળ પણ ચાલુ રહેશે.
આ પોસ્ટના કેપ્શનમાં પ્રજ્ઞાએ લખ્યું કે, અમે તને યાદ કરશું સુશાંત. અગાઉ પ્રજ્ઞાએ ૧૪ જૂનના સુશાંતના મૃત્યુ પર દુઃખ જતાવી લખ્યું હતું કે, હું આઘાત અને ગુસ્સામાં છું. આ દિલ તોડનારી ઘટના છે. તું હંમેશાં સ્પેશિયલ રહીશ. સુશાંતના મૃત્યુના દિવસે તેને શ્રદ્ધાંજલિ આપતા અભિષેકે લખ્યું કે, હું મારા મિત્રના નિધનથી ઘણો દુઃખી છું અને આઘાતમાં છું. આપણે સાથે બે ઘણી ખાસ ફિલ્મ્સ બનાવી. તે ઘણો સારો એક્ટર હતો જે તેના કેરેક્ટરને જીવંત બનાવવા માટે ઘણી મહેનત કરતો હતો. હું તને મિસ કરીશ ભાઈ.
અભિષેકે સુશાંત સાથે કાઈ પો છે સિવાય કેદારનાથ ફિલ્મમાં કામ કર્યું હતું જે ૨૦૧૮માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મથી સારા અલી ખાને ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. સુશાંત છેલ્લે ડ્રાઈવ ફિલ્મમાં જોવા મળ્યો હતો. ફિલ્મ બે વર્ષ સુધી લટકી રહી ત્યારબાદ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા છે જે આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થઇ શકે છે.