ધોરણ-૧માં પ્રવેશ માટેની ઉંમરની લાયકાતમાં ફેરફાર…
ગાંધીનગર : બાળક ૬ વર્ષનું થાય તે પછી જ તેને પહેલા ધોરણમાં પ્રવેશ મળે તેવો નિર્ણય રાજ્ય દ્વારા લેવામાં આવ્યો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી જે બાળકોને ૧ જૂને ૬ વર્ષ પૂર્ણ થયેલા હશે તેવા વિદ્યાર્થીઓને જ ધોરણ-૧માં પ્રવેશ માટે લાયક ગણવામાં આવે છે. જોકે, આ નિર્ણયથી હાલમાં જે વિદ્યાર્થીઓ નર્સરી, જૂનિયર કે.જી.માં અભ્યાસ કરે છે. તેમને મુશ્કેલીન પડે કે માટે ત્રણ વર્ષ સુધી ૫ વર્ષના બાળકને પ્રવેશ આપવામાં આવશે અને પછીના વર્ષથી ૬ વર્ષ પૂર્ણ થયા હશે તેવા બાળકોને જ પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે.
રાઈટ ટુ એજ્યુકેશન પ્રમાણે ૬થી ૧૪ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતમાં શિક્ષણને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા માટે ગુજરાત સરકાર દ્વારા ધોરણ-૧માં પ્રવેશ માટેની ઉંમરની લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હાલમાં પહેલા ધોરણમાં પ્રવેશ માટેની ઉંમર ૫ વર્ષની નક્કી કરવામાં આવી છે. ૧ જૂનના રોજ બાળકની ઉંમર ૫ વર્ષ પૂર્ણ થયેલી હોય તેમને જ પ્રવેશ આપવામાં આવે છે.
હવે રાજ્ય સરકારે આ નિયમમાં ફેરફાર કર્યો છે અને ૧ જૂનના રોજ બાળકની ૬ વર્ષની ઉંમર પૂર્ણ થતી હશે તેવા બાળકોને જ પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. જો આ કાયદાનો હાલ જ અમલ કરવામાં આવે તો હાલમાં જે વિદ્યાર્થીઓ નર્સરી, જુનિયર કે.જી. અને સિનિયર કેજીમાં ભણતા હોય તેમને ધોરણ-૧માં પ્રવેશ માટે મુશ્કેલી પડી શકે છે માટે આ કાયદાનો અમલ ત્રણ વર્ષ પછી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ત્રણ વર્ષ સુધી રાજ્યમાં ૫ વર્ષ સુધીના બાળકોને ધોરણ-૧માં પ્રવેશ આપવામાં આવશે…
શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩માં કોઈ પણ બાળક જેણે શૈક્ષણિક વર્ષમાં ૧ જૂનના રોજ ૫ વર્ષ પૂર્ણ કરેલ હોય તેને જ ધોરણ-૧માં પ્રવેશ આપવામાં આવશે. આમ ત્રણ વર્ષ સુધીના બાળકોને ધોરણ-૧માં પ્રવેશ આપવામાં આવશે. આમ ત્રણ વર્ષ સુધી રાજ્યમાં ૫ વર્ષ સુધીના બાળકોને ધોરણ-૧માં પ્રવેશ આપવામાં આવશે. પણ ત્યાર બાદ ૨૦૨૩-૨૪થી ૬ વર્ષ પૂર્ણ કરેલ બાળકોને જ ધોરણ-૧માં પ્રવેશ આપવામાં આવશે. સરકારે આ અંગે સત્તાવાર પરિપત્ર પણ બહાર પાડ્યો છે. સરકાર આ અંગે વાલીઓને વાકેફ કરવા માટે પણ જણાવ્યું છે.