ગાંધીનગર : રાજ્યમાં સોમવારે સવારે ૮ વાગ્યા સુધી સરેરાશ વરસાદ ૧૦૨.૭૩ ટકા વરસાદ નોંધાયો હતો. ઓગસ્ટમાં સિઝનનો કુલ વરસાદ નોંધાઈ ગયો હોય એવું ૬ વર્ષે બન્યું છે. ૨૪ કલાકમાં રાજ્યના ૨૫૧ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જામનગરના જોડીયામાં ૩૬ કલાકમાં ૧૬ ઇંચ તો રાજકોટના ટંકારામાં ૧૫ ઇંચ, અબડાસા,
ગોંડલ અને ભાણવડમાં ૭-૭ ઇંચ નોંધાયો હતો. રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં ૧૯૦૦ લોકોનું સ્થળાંતર કરાયું હતું જ્યારે વરસાદ સબંધિત દુર્ઘટનાઓમાં ૯ લોકોના મોત નીપજ્યાં હતા. આ વરસે કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૮૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૩૫ ટકા જ્યારે ઉત્તરમાં ૮૮, મધ્યમાં ૭૯, દક્ષિણમાં ૯૧ ટકા વરસાદ નોંધાયો હતો. જળાશયોમાં ૭૧ ટકા પાણી છે. ૭૬ ડેમમાં ૧૦૦ ટકા પાણી, ૪૪ ડેમમાં ૯૦થી ૧૦૦ ટકા, ૧૪ ડેમમાં ૮૦થી ૯૦ ટકા, ૧૯ ડેમમાં ૭૦થી ૮૦ ટકા પાણીનો સંગ્રહ થયો છે. મંગળવારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, નવસારી, જામનગર, જૂનાગઠ, મોરબી, દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે.