રાજકોટ : પ્રદેશ પ્રમુખ પાટીલની હાજરીમાં શહેરના હોદ્દેદારો અને સંગઠનની વિવિધ પાંખના નેતાઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મીડિયાને પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે.
શહેર ભાજપમાં કેટલાક દિવસોથી શરૂ થયેલા જૂથવાદ મુદ્દે પ્રદેશ પ્રમુખ કેટલાક નેતાઓ માટે સાંકેતિક વાતો કરશે તેમજ કેટલાક નેતાઓ સાથે બંધબારણે પણ બેઠક કરશે, એવું ભાજપનાં સૂત્રોએ કહ્યું હતું.રાજકોટ ભાજપમાં જૂથવાદ વચ્ચે સી.આર. પાટીલ સૌપ્રથમ વખત રાજકોટ આવ્યા છે.
ત્યારે શહેર ભાજપના કાર્યકરો દ્વારા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
રસ્તા પર ફૂલની જાજમ પાથરવામાં આવી હતી તો ડીજેના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ માટે સવારથી જ રાજકોટ ભાજપના આગેવાનો એરપોર્ટ પર પહોંચી ગયા હતા. પાટીલ રાજકોટ આવ્યા ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત ગયા છે અને ભાજપના સૌથી સિનિયર નેતા વજુભાઈ વાળા બહારગામ જતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.
પ્રેસ કોન્ફરન્સમાં પાટીલે જણાવ્યું હતું કે, અંબરીશ ડેરને મેં આમંત્રણ આપ્યું નથી, પાટીદાર આંદોલનના ૭૮ કેસ પાછા ખેંચાશે, સૌરાષ્ટ્ર યુનિ.માં પેધી ગયેલા સિન્ડિકેટ સભ્યોને હટાવાશે. આ તમામ તણાવની વચ્ચે આજે સીઆર પાટીલ રાજકોટ આવ્યા છે, ત્યાં આગેવાનો-કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે.
પાટીલ સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા છે અને અહીં પત્રકાર પરિષદ યોજી પ્રદેશ પ્રમુખ ત્રણ-ચાર ખાનગી કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ૧૨.૩૦ વાગ્યે ઇમ્પીરિયલ હોટલ ખાતે ઉદ્યોગપતિઓ સાથે મિલન યોજાશે. ૩ વાગ્યે શહેર ભાજપના આગેવાનો સાથે હેમુ ગઢવી હોલ ખાતે મિલન થશે અને એ જ સ્થળે ૪ વાગ્યે બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં હાજર રહેશે. સત્તાપરિવર્તન બાદ સીઆર પાટીલ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે, ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળા રાજકોટમાં હાજર નથી. બંને નેતાઓ બહારગામ હોવાનું કહેવામાં આવ્યું હતું.
Other News : હવેથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વાહનોનું રી-રજિસ્ટ્રેશન કરાવવું નહીં પડે