આણંદ : બાળલગ્ન પ્રતિબંધક અધિકારીશ્રીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, આણંદ તથા પોલીસ વિભાગના સહયોગથી જિલ્લાના તમામ તાલુકાઓ માટે બનાવેલ કુલ આઠ ટીમો દ્વારા અક્ષય તૃતિયાના દિવસે સાત સમુહ લગ્નમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તમામ સમૂહ લગ્નોમાં જોડાઓની ઉંમરની ખરાઈ અને ચકાસણી દરમિયાન કુલ ૩૩ જેટલા જોડાઓમાં છોકરીની ઉંમર ૧૮ વર્ષ અને છોકરાની ઉંમર ૨૧ વર્ષ કરતાં ઓછી હોવાનું જાણવા મળતા આણંદ જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરીના અધિકારી-કર્મચારીઓ દ્વારા તમામ ૩૩ લગ્નોને અટકાવવામાં આવ્યા હતા.
આયોજકોને કાયદાની પૂરતી જાણકારીના અભાવે ૧૮ વર્ષથી વધુ વયના છોકરા અને છોકરીના લગ્ન કરાવી શકાય છે તેવી ગેરસમજ ને દૂર કરતાં બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ કાયદાની જોગવાઈ મુજબ છોકરીની ઉંમર ૧૮ અને છોકરાની ઉંમર ૨૧ વર્ષ કરતાં ઓછી હોય તો એવા લગ્નોને બાળલગ્ન કહેવાય છે તેમ જણાવી તમામ સમુહ લગ્નના આયોજકો અને સમુહ લગ્નમાં હાજર તમામ લોકોને કાયદાની વિસ્તૃત સમજણ આપીને ભવિષ્યમાં આ બાબતે તકેદારી રાખવા જણાવવામાં આવ્યુ હતું.
આ દરમિયાન સમૂહ લગ્નમાં ઉપસ્થિત દરેક પાસેથી લેખિત બાંહેધરી લેવામાં આવી હતી અને ભવિષ્યમાં સમુહ લગ્નના આયોજકો, સમુહ લગ્નમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલ બાળકના વાલી અથવા બાળકનો હવાલો ધરાવનાર વ્યક્તિ, લગ્નવિધિ કરાવનાર, લગ્નમાં ભાગ લેનાર, મંડપ ડેકોરેશન કરનાર, કેટરીંગ સેવા આપનાર તમામને સમુહ લગ્નના આયોજન કરતા સમયે છોકરી અને છોકરાની ઉંમરની ખરાઈ કરવાનું જણાવાયું હોવાનું આણંદના બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ યાદી દ્વારા જણાવ્યું છે.
Other News : તલાટીની પરીક્ષા અંગે સમાચાર : કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ, આ તારીખે યોજાશે પરીક્ષા