વડોદરા : કોરોના વાઈરસના હાહાકારને કારણે કંપનીના કામથી ચીન ગયેલા ૨ યુવાનો સહિત ૩ લોકો આજે સવારે વડોદરા પરત ફર્યા હતા. તેઓ મુંબઇ એરપોર્ટથી બાય રોડ વડોદરા આવ્યા હતા અને ત્યાંથી તેઓ સીધા સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. જ્યાં તેમની મેડિકલ તપાસ કરવામાં આવ્યું હતું. જોકે તેઓમાં કોરોના વાઈરસના કોઇ લક્ષણો જણાયા ન હતા. જેથી તેઓને ઘરે જવા દેવામાં આવ્યા હતા.
હિતેન્દ્રસિંહ ચૌહાણ અને ભરત રાજવંશી નામના બંને યુવાનો ૨૫ દિવસ માટે ચીન ગયા હતા. જોકે કોરોના વાઈરસને પગલે ચીનમાં ફસાઇ ગયા હતા. જોકે કંપનીએ તેઓએ ભારત પરત બોલાવી લીધા છે. ભારત આવેલા યુવાન હિતેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતુ કે, ચીનમાં જીવવુ મુશ્કેલ છે. પરંતુ અમે ત્યાં સુરક્ષિત હતા. જોકે અમારી કંપનીએ અમારી ચિંતા કરીને અમને ભારત પાછા બોલાવી લીધા છે.
સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાજીવ દેવેશ્વરે જણાવ્યું હતું કે, ચીનથી આવેલા યુવાનોનું મુંબઇમાં પણ સ્ક્રિનિંગ કરાયું હતું. ત્યાં પણ કોઇ લક્ષણો જણાયા ન હતા અને સયાજી હોસ્પિટલમાં પણ મેડિકલ ચેકઅપ દરમિયાન કોરોના વાયરસના કોઇ લક્ષણો જણાઇ આવ્યા નથી. જેથી તેઓને ઘરે જવા દેવામાં આવ્યા છે. બે યુવાનોનો રિપોર્ટ તેમની કંપનીને મોકલવાનો છે.