સુપ્રિમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને યથાવત્ રાખી કેન્દ્રને ફટકાર લગાવી…
મહિલાઓને સેનાના ૧૦ વિભાગોમાં સ્થાયી કમિશન આપવામાં આવે, મહિલાઓને કમાન્ડ ના આપવાનો સરકારનો તર્ક અયોગ્ય અને ભેદભાવપૂર્ણ, કેન્દ્ર સરકાર પોતાની માનસિકતા બદલે : સુપ્રિમ
ન્યુ દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે સેનામાં મહિલાઓને પરમેનેન્ટ કમિશનની માંગ વાળી અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે જણાવ્યું કે, સામાજિક અને માનસિક કારણ જણાવીને મહિલા અધિકારીઓને આ અવસરથી વંચિત કરવી ભેદભાવપૂર્ણ હોવાની સાથે જ તે અસ્વીકાર્ય છે. કોર્ટે આકરી ટિપ્પણી કરતા કેન્દ્ર સરકારને પોતાની માનસિક્તામાં બદલાવ કરવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના ચુકાદાના યથાવત રાખતા જણાવ્યું કે, મહિલાઓને સેનાના ૧૦ વિભાગોમાં સ્થાયી કમિશન આપવામાં આવે. કોર્ટે મહિલાઓને કમાન્ડ ના આપવાના સરકારના તર્કને પણ અયોગ્ય અને ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે.
જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ અજય રસ્તોગીની પીઠે જણાવ્યું કે, સેનામાં મહિલા અધિકારીઓની નિમણૂંક એક વિકાસવાદી પ્રક્રિયા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા જણાવ્યું કે, સુપ્રિમ કોર્ટ દ્વારા હાઈકોર્ટના ચુકાદા પર રોક નથી લગાવવામાં આવી. આમ છતાં કેન્દ્રએ હાઈકોર્ટના આદેશને કેમ લાગું નથી કર્યો? હાઈકોર્ટના આદેશ પર કાર્યવાહી ના કરવાનું કોઈ યોગ્ય કારણ નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમામ નાગરિકોને અવસરની સમાનતા અને લૈગિંક ન્યાય સેનામાં મહિલાઓની ભાગીદારીનું માર્ગદર્શન કરશે. મહિલાઓની શારીરિક વિશેષતાઓ પર કેન્દ્રના વિચારોને કોર્ટે ફગાવ્યા છે. સેનામાં સાચી સમાનતા લાવવી પડશે.
૩૦ ટકા મહિલાઓ વાસ્તવમાં યુદ્ધ ક્ષેત્રમાં ફરજ બજાવી રહી છે. મહિલા અધિકારીઓએ દેશનું ગૌરવ વધાર્યું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ૩ મહિનામાં આદેશનું પાલન કરવા કહ્યું છે. સાથે સાથે કોર્ટે રહ્યું કે ન ફક્ત ૧૪ વર્ષ પરંતુ તમામ મહિલાઓને તેની આગળ પણ સ્થાયી કમિશન આપવું જોઈએ.
સુપ્રિમ કોર્ટએ જણાવ્યું કે, મહિલાઓ પુરૂષો સાથે ખભે-ખભા મિલાવીને કામ કરે છે. કેન્દ્રની દલિલો પરેશાન કરનારી છે. મહિલા સેના અધિકારીઓએ દેશનું ગૌરવ વધાર્યું છે. કોર્ટે કર્નલ કુરૈશીનો ઉલ્લેખ કર્યો. કેપ્ટન તાન્યા શેરગિલ વગેરેનું ઉદાહરણ આપ્યું હતું.
જણાવી દઈએ કે, સરકારે મહિલા અધિકારીઓને સ્થાયી કમિશનના ૨૦૧૦ના દિલ્હી હાઈકોર્ટના આદેશ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. દિલ્હી હાઈકોર્ટે ૨૦૧૦માં શોર્ટ સર્વિસ કમિશન અંતર્ગત સેનામાં આવનારી મહિલાઓની સેવામાં ૧૪ વર્ષ પૂર્ણ કરવા પર પુરૂષોની જેમ સ્થાયી કમિશન આપવાનો આદેશ આપ્યો હતો. સંરક્ષણ મંત્રાલયે આ આદેશ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવ્યા હતા.
ભારતીય વાયુસેના અને નૌસેના મહિલા અધિકારીઓને સ્થાયી કમીશનમાં આવવાનો વિકલ્પ આપે છે, જોકે સેનામાં તે હજી સુધી નથી. આ સિવાય વાયુસેનામાં મહિલાઓ ફ્લાઈંગ અને ગ્રાઉન્ડ ડ્યુટીમાં સામેલ થઈ શકે છે. શોર્ટ સર્વિસ કમીશન અંતર્ગત મહિલાઓ વાયુસેનામાં જ હેલિકોપ્ટરથી લઈને ફાઈટર જેટ ઉડાવી શકે છે. નૌસેનામાં પણ મહિલાઓ લોજિસ્ટિક્સ, કાયદો, એર ટ્રાફિક કન્ટ્રોલ, પાયલટ અને નેવલ ઈન્સપેક્ટર કેડરમાં સેવાઓ આપી શકે છે.