રાજકોટ : સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. આંધ્રપ્રદેશ વિરુદ્ધ પ્રથમ ઈનિંગ્સની લીડના આધારે સૌરાષ્ટ્ર વિજેતા થયું. સેમિફાઈનલમાં સૌરાષ્ટ્ર ગુજરાત સામે ટકરાશે. મેચના અંતિમ દિવસે સૌરાષ્ટ્રએ બીજી ઈનિંગ્સમાં ૯ વિકેટે ૩૭૫ રનથી આગળ રમવાનું શરૂ કર્યું. ટીમ ૪૨૬ રન કરી ઓલઆઉટ થઈ. સૌરાષ્ટ્રએ પ્રથમ ઈનિંગ્સમાં ૪૧૯ જ્યારે આંધ્ર પ્રદેશે ૧૩૬ રન કર્યા હતા. આંધ્રને ૭૧૦ રનનો ટાર્ગેટ મળ્યો. આંધ્રએ બીજી ઈનિંગ્સમાં ૪ વિકેટે ૧૪૯ રન કર્યા હતા. ગુજરાત અને સૌરાષ્ટ્ર ૨૯મી ફેબ્રુઆરીએ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન ખાતે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે એકબીજા સામે ટકરાશે.
જ્યારે અન્ય એક ક્વાર્ટફાઇનલમાં કર્ણાટકે જમ્મુ-કાશ્મીરને ૧૬૭ રનથી હરાવ્યું. ૩૩૧ રનના ટાર્ગેટને ચેઝ કરતા જમ્મુ-કાશ્મીરની ટીમ ૧૬૩ રને ઓલઆઉટ થઈ. કર્ણાટકે પ્રથમ ઈનિંગ્સમાં ૨૦૬ જ્યારે બીજી ઈનિંગ્સમાં ૩૧૬ રન કર્યા હતા. કર્ણાટક ૨૯મી બંગાળ વિરુદ્ધ ઈડન ગાર્ડન્સ કોલકાતા ખાતે સેમિફાઇનલ રમશે. સ્ટાર ઇન્ડિયન બેટ્સમેન લોકેશ રાહુલ કર્ણાટક માટે સેમિફાઇનલમાં રમશે.