છેલ્લા ઘણા સમયથી સીએએ-એનઆરસી વિરોધી આંદોલન થઇ રહ્યા હતા…
મુંબઇ : મુંબઇ પોલીસે આજે સોમવાર સવારથી એક સપ્તાહ માટે સમગ્ર મુંબઇમાં ૧૪૪મી કલમ લાગુ પાડવાની જાહેરાત કરી હતી. કોઇ પણ પ્રકારની સભા-સરઘસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
મુંબઇ પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યા મુજબ છેલ્લા થોડા દિવસથી મુંબઇમાં પણ સીએએ અને એનઆરપી વિરોધી આંદોલનો અને દેખાવો થઇ રહ્યા હતા. ગયા સપ્તાહે દિલ્હીમાં થયેલી હિંસા અને તોફાનો બાદ અમે અગમચેતી રૂપે આ પગલું ભર્યું હતું.
મુંબઇ દેશની આર્થિક રાજધાની છે. અહીં તોફાન કે હિંસા થાય એની અસર દેશના અર્થતંત્ર પર થઇ શકે છે એટલે મુંબઇ પોલીસે અગમચેતીના પગલા રૂપે આ જાહેરાત કરી હતી. સમર્થનવિહોણા અહેવાલ મુજબ કેન્દ્રીય ગુપ્તચર ખાતાએ મુંબઇ પોલીસને સાવધ રહેવા જણાવ્યું હતું કે દિલ્હીમાં બહારના કહેવાતા અસામાજિક તત્ત્વોએ ભાંગફોડ કરી એવાં અસામાજિક તત્ત્વો મુંબઇમાં પણ ભાંગફોડ અને હિંસા આચરી શકે છે. માટે સાવધ રહેવું.
ગુપ્તચર ખાતાના આ અણસાર પછી મુંબઇ પોલીસે તરત આ પગલું લીધું હતું. જો કે મહારાષ્ટ્રના ગૃહ ખાતાને આ પગલાની આગોતરી જાણ કરી દેવામાં આવી હતી.