ઇટાલીમાં સૌથી વધુ ૫૪૦૦ મોત, અમેરિકામાં આંકડો ૪૦૦ને પાર…
વૉશિંગ્ટન/રોમ : દુનિયાના ૧૯૨થી વધારે દેશો કોરોના વાઈરસની ઝપટમાં આવી ગયા છે. મહામારીના કારણે ૧૪,૭૪૯ લોકોના મોત થયા છે. ચીન પછી ઈટાલીમાં સૌથી વધારે લોકો પ્રભાવિત થયા છે. ઈટાલીમાં કોરોના વાઈરસના કારણે કુલ ૫,૪૭૬ લોકોના મોત થયા છે. ન્યૂઝીલેન્ડમાં છેલ્લા ૪૮ કલાકમાં કોરોના કેસમાં બમણો વધારો થયો છે. ત્યારપછી સરકારે બુધવારથી લોકડાઉનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્કૂલ, વ્યવસાયો અને સામુદાયિક સેવાઓમાં જોડાયેલા લોકોને બે દિવસનો તૈયારીનો સમય આપ્યો છે.
અમેરિકામાં પણ કોરોના વાઈરસ ઘૂસી ગયો છે. અહીં રવિવારે ૨૪ કલાકમાં ૧૪,૫૫૦ નવા કેસ સામે આવ્યા છે. અમેરિકામાં અત્યાર સુધી ૩૩,૨૭૬ લોકોને ઈન્ફેક્શન થયું છે. અમેરિકામાં વધુ ૩૯ લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક ૪૫૮ થયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના કારણે ચિંતિત છે. કારણકે ચીને સમયસર અમેરિકાને વાઈરસ વિશે જાણ ન કરી. બીજીબાજુ સ્પેનમાં કોરોના વાઈરસે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪૧ લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક વધીને ૧૮૧૩ પહોંચ્યો છે. આ ઉપરાંત વધુ ૧,૧૪૧ નવા કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા ૨૯,૯૦૯ થઈ ગઈ છે.
ટ્રમ્પે કહ્યું કે, હું ચીનના કારણે થોડો પરેશાન છું. હું તેમની સાથે પ્રમાણિક છું, રાષ્ટ્રપતિ જિનપિંગ અને તેમના દેશનું સન્માન કરું છું. તેમણે અમને આ વિશે જાણ કરવાની જરૂર હતી. અમેરિકાએ ચીનમાં નિષ્ણાત ડોક્ટર્સ મોકલવાની રજૂઆત પણ કરી હતી પરંતુ ચીને કોઈ પ્રતિક્રિયા નહતી આપી.
ઈટાલીના સિવિલ પ્રોટેક્શન ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે રવિવાર સુધીમાં ઈન્ફેક્શનનો આંકડો ૫૯,૧૩૮ સુધી પહોંચી ગયો છે. જ્યારે ૫,૪૭૬ લોકોના મોત થયા છે. જોકે સામે ૭,૦૨૪ લોકો સાજા પણ થઈ ગયા છે. ઈટાલીમાં ૨૧ ફેબ્રુઆરીએ પહેલો કેસ સામે આવ્યો હતો. તેના એક મહિના પછી મહામારી રોકવા માટે દેશની અંદરની દરેક યાત્રાઓ રોકવામાં આવી છે. ઈટાલીમાં ચીન કરતા વધારે લોકોના મોત થયા છે.
અમેરિકામાં એક જ દિવસમાં ૧૪,૫૫૦ કેસ નવા નોંધાયા છે. તેમાંથી એક તૃતિયાંશ કેસ માત્ર ન્યૂયોર્ક શહેરના છે. અહીં ૨૪ કલાકમાં ૧૨,૩૪૫ કેસ નોંધાયા છે.