રાષ્ટ્રપતિ એસ્ટેટમાં પરિવાર સાથે રહેતી મહિલા કોરોના પોઝિટિવ…
ન્યુ દિલ્હી : કોરોના વાયરસની દસ્તક હવે રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી ગઇ છે. પ્રેસિડન્ટ એસ્ટેટમાં પોતાના પરિવાર સાથે રહેતી એક મહિલા કોરોના પોઝિટીવ આવી છે ત્યારબાદથી આખા રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં હડકંપ મચી ગયો છે. તેનાથી મોટી ચિંતા એ વાતની છે કે મહિલાના પતિ રાષ્ટ્રપતિ ભવનમાં જ કામ કરનાર અંડર સેક્રેટરી લેવલના એક આઇએએસ અધિકારીની ઓફિસમાં કામ કરતા હતા. તેને જોતા આ અધિકારીએ પોતાને પણ ક્વારેન્ટાઇન કરી દીધા છે.
આ ખુલાસા બાદ કેમ્પસમાં રહેતા ૧૨૫ પરિવારોને હોમ ક્વારેન્ટાઇન કરાયા છે. કોરોના પોઝિટીવ આવેલા મહિલાને સારવાર માટે આરએમએલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે તેમના પતિ અને પરિવારના અન્ય સભ્યો સિવાય પાડોશના લોકોને પણ હોમ ક્વારેન્ટાઇનમાં રહેવાનો નિર્દેશ આપ્યો છે. કહેવાય છે કે રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં કામ કરનાર ૧૦૦થી વધુ સફાઇકર્મી, માળી અને દેખરેખ કરનાર બીજા લોકો પણ આ દરમ્યાન મહિલાના પતિના સંપર્કમાં આવ્યા હતા. આ બધાને સાવચેતી રાખવા માટે કહ્યું છે. આ કેસ સામે આવ્યા બાદ રાષ્ટ્રપતિ ભવનમાં વધુ સતર્કતા દાખવવામાં આવી રહી છે.
પ્રશાસનિક સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પ્રેસિડન્ટ એસ્ટેટમાં રહેનાર જે મહિલામાં કોરોના પોઝિટીવ આવ્યો છે તેમની સાસુનું થોડાંક દિવસ પહેલાં કોરોનાના લીધે જ મોત થયું હતું. તેઓ બાડા હિન્દુરાવ વિસ્તારમાં રહેતા હતા. કહેવાય છે કે કોરોના પીડિત પોતાની સાસુના સંપર્કમાં આવવાથી જ મહિલા પણ કોરોનાની ઝપટમાં આવી ગયા. તબિયત ખરાબ થતા અને કોરોનાના લક્ષણ જોવા મળ્યા બાદ મહિલાનો ટેસ્ટ કરાયો અને જ્યારે રવિવાર રિપોર્ટ પોજિટીવ આવ્યો તો આખા પ્રેસિડન્ટ એસ્ટેટમાં આ સમાચાર આગની જેમ ફેલાઇ ગયા.