આણંદ : હાલમાં રાજ્યભરમાં કોરોના મહામારીના કારણે અનેક લોકોની આર્થિક હાલત કથળી રહી છે. લોકડાઉનના કારણે વેપાર-ધંધા બંધ હોવાથી નાના-મોટા વેપારીઓ તેમજ ધંધાદારીઓ નુકસાન ભોગવી રહ્યા છે. ત્યારે આણંદના એક ખેડૂતે લોકડાઉનના સમયમાં પણ કેળા વેચીને ૭ લાખ રૂપિયાની કમાણી કરી છે. લોકડાઉન સમયે ખેડૂતોને આપેલી કેટલીક છૂટછાટના કારણે આણંદના આ ખેડૂતને આર્થિક ફાયદો થયો છે.
આણંદના પેટલાદમાં આવેલા બોરીયા ગામના કેતનભાઈ પટેલ વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયા છે. તેઓ દર વર્ષે જૂનથી સપ્ટેમ્બર મહિનામાં પોતાના ખેતરમાં કેળાની ખેતી કરે છે. તેમનું ખેતર ૨૫ એકરમાં ફેલાયેલું છે. છેલ્લા ૨૦ વર્ષથી પોતાની મહેનત થતી ઓર્ગેનિક કેળા તેમજ બટાકાનું પણ ઉત્પાદન કરી રહ્યા છે. તો આ વર્ષે કોરોના કહેર વચ્ચે પણ તેઓએ કેળાનું ઉત્પાદન કર્યું હતું અને તેને વેચીને સારી આવક પણ મેળવી હતી.
કેતનભાઈ ખેતીમાં ઓછો ખર્ચ થાય માટે પોતે જ ઓર્ગેનિક ખાતર બનાવે છે. જેથી તેમના ખેતરમાં પાકતા કેળા પણ ઉત્તમ ગુણવત્તાવાળા હોય છે. લોકડાઉનમાં પણ તેઓ ૧૦૦ ટન જેટલા કેળા મધર ડેરીને સપ્લાય કર્યા છે. જેના કારણે તેમની આવકમાં પણ ખુબજ વધારો થયો છે. હાલમાં કેળાનો ભાવ ૬૦થી૮૦ રૂપિયા પ્રતિ મણ હશે પરંતુ કેતનભાઈને કેળાના ૧૨૦ રૂપિયા પ્રતિ મણ મળે છે. જેથી એમ કહી શકાય કે, તેઓએ સામાન્ય વર્ષ કરતા આ વર્ષે કોરોના કહેર વચ્ચે પણ કેળા વેચી ડબલ કમાણી કરી છે.