ટોપ ૧૦ ની લીસ્ટમાં ભારતીય ક્રિકેટરોનો દબદબો, કુલ ૫ ભારતીય ખેલાડીયો સામેલ…
નવી દિલ્હી : ક્રિકેટરની સંપત્તિ વધવા પાછળ ઘણા કારણો હોય છે જેમાં એક તો તેની મેચની ફીની આવક અને બીજી સ્પોન્સરશિપની આવક. વિશ્વમાં ક્રિકેટ સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે અને ભારતમાં તો તેના કરોડો ફેન્સ છે. ભારતમાં કોઈ પણ મોટા ક્રિકેટની લોકપ્રિયતા બોલિવૂડના સ્ટાર જેટલી જ અને કયારેક તો તેના કરતાં પણ વધુ હોય છે. ક્રિકેટરોની બ્રાન્ડ વેલ્યૂ એટલી તગડી હોય છે કે મોટા ભાગની કંપનીઓ તેમની પાસે જ પોતાની કંપનીની એડ કરાવતી હોય છે. ઘણી વાર તો આ માટે તેઓ કરોડો રૂપિયા પણ ચૂકવતા હોય છે. આ જ કારણે ક્રિકેટરો મેચો સિવાયના સમયે જાહેરાતો કરીને કરોડો રૂપિયા પણ કમાઈ લેતા હોય છે.
વિશ્વના મોખરાના દસ ક્રિકેટરની કમાણી કે સંપત્તિની વાત આવે તો તેમાં ભારત મોખરે છે કેમ કે ટોપ-૧૦માંથી પાંચ ભારતીયો છે અને મોખરાના ત્રણ સ્થાન તો ભારતીયો પાસે જ છે. સચિન તેંડુલકરની સંપત્તિ ૮૭૦ કરોડ રૂપિયા છે જે દુનિયાના તમામ ક્રિકેટર કરતાં વધારે છે. ભારતને બે વાર વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો ક્રમ સચિન બાદ આવે છે જે હાલમાં ૮૪૦ કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. તેની પાસે સંખ્યાબંધ દેશી અને વિદેશી કંપનીઓના કરાર પડેલા છે.
ત્રીજા ક્રમે આવે છે વર્તમાન ટીમનો સુકાની વિરાટ કોહલી. ૭૦ ઇન્ટરનેશનલ સદી ફટકારી ચૂકેલા કોહલીની ગણતરી સુપરસ્ટારમાં થાય છે. ફોર્બ્સ ૨૦૧૯ની ૧૦૦ સૌથી વધુ કમાણી કરતાં રમતવીરોની યાદીમાં પણ તેને સ્થાન મળ્યું હતું. કોહલીની કુલ સંપત્તિ ૬૯૬ કરોડ રૂપિયાની છે. તે ગૂગલ, કોલગેટ, પેપ્સી, ઓડી,ઉબેર સહિત ઘણી કંપનીને પ્રમોટ કરે છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાની રિકી પોન્ટિંગની સંપત્તિ ૪૯૨ કરોડ રૂપિયા છે તો બ્રાયન લારા ૪૫૪ કરોડ રૂપિયા ધરાવે છે ત્યાર પછીના ક્રમમાં શેન વોર્ન (૩૯૪ કરોડ), વીરેન્દ્ર સેહવાગ (૩૦૩ કરોડ), જેક્સ કાલિસ (૨૬૫ કરોડ), યુવરાજસિંઘ (૨૬૫ કરોડ)નો સમાવેશ થાય છે.