રાહુલ ગાંધીના લોકડાઉન નિષ્ફળના આરોપ પર ભાજપનો પલટવાર
રાહુલ ગાંધી ખોટા અને પાયા વિહોણા આરોપ લગાવે છે, દુનિયાના અન્ય દેશોના મૃત્યુઆંક જોઈ લો,તેઓ દેશની એકતાને ખંડિત કરનારી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છેઃ પ્રસાદ
ન્યુ દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લગાવેલા લોકડાઉન ફેઈલ જેવા આરોપ અંગે ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને જવાબ આપ્યા છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી ખોટા અને પાયા વિહોણા આરોપો લગાવી રહ્યા છે, લોકડાઉન અંગે તેમને જે નિવેદન આપ્યું છે તે તદ્દન ખોટુ છે. દુનિયાના ૧૫ જેવા દેશમાં ૩ લાખ ૪૩ હજારથી વધુ લોકોના મોત થયા છે જેની સામે ભારતમાં ૪ હજારની આસપાસ લોકોએ જીવ ગુમાવ્યા છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, રાહુલ ગાંધી માત્ર જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે, હાલ કોરોનાની કોઈ વેક્સીન નથી એવામાં લોકડાઉન જ એકમાત્ર ઉપાય છે. રાહુલ ગાંધી દેશની એકતાને ખંડિત કરનારી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. જે એકદમ ખોટું છે. જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઈ છે ત્યારથી રાહુલ ગાંધી દેશના સંકલ્પને નબળો પાડવાના પ્રયાસ કરી રહ્યા છે.
રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે, ચૂંટણીમાં રાહુલ ગાંધી નીરવ મોદીની વાત કરી રહ્યા હતા, પણ તેમના સાથી લંડનમાં નીરવની મદદ કરી રહ્યા છે. રવિશંકરે કહ્યું કે, ભીલવાડા મોડલનો શ્રેય રાહુલ ગાંધીને આપવામાં આવ્યો, પણ ત્યાંના સરપંચે કહ્યું આ તો ત્યાંના લોકોની મહેનતને કારણે બની શક્યું છે.
પ્રસાદે કહ્યું કે, રાહુલે દાવો કર્યો હતો કે વાયનાડના મોડલની સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રશંસા કરી છે, પણ વાયનાડને સ્વાસ્થ્ય મંત્રાલયે હોટસ્પોટ જાહેર કર્યું છે. પ્રવાસી મજૂરોના મુદ્દે પ્રસાદે કહ્યું કે, યુપી બિહાર જેવા રાજ્યોમાં ઘણી ટ્રેન દોડી રહી છે પણ મહારાષ્ટ્રમાં ઘણી ઓછી ટ્રેન જઈ રહી છે. જ્યાં કોંગ્રેસની સરકાર છે.