વડોદરા : વડોદરામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ડેઝિગ્નેટેડ એવી ગોત્રી હોસ્પિટલ ખાતે છાશવારે ગંદકી અને કર્મચારીઓના ઉભા થતાં પ્રશ્નોના પગલે ખાસ ફરજ પરના અધિકારી ડો. વિનોદ રાવે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમાં પણ જે વોર્ડમાં કોરોના દર્દીઓને સારવાર થઇ રહી છે તે વિસ્તારમાં પીપીઇ કીટ પહેરીને મુલાકાત લઇને દર્દીઓ, કર્મચારીઓ તથા તબીબોની સાથે ચર્ચા કરી હતી. હોસ્પિટલના હાઉસકીપીંગ અને કર્મચારી સપ્લાયનો જેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે ભાવનગરના બહુચર્ચીત કોન્ટ્રાક્ટરની સામે પોલીસ ફરીયાદના આદેશ આપી દેવામાં આવ્યા હતા.
ગોત્રીની કોવિડ હોસ્પિટલના સુચારૂ સંચાલન માટે તેમજ પ્રિમોન્સુનની કામગીરીની સજ્જતા માટે ડો. વિનોદ રાવ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પીઆઇયુના ચીફ એન્જીનીયર બી.સી.પટેલ, ઇલેક્ટ્રીકલ ડીપાર્ટમેન્ટના સુપ્રી. એન્જીનીયર પ્રતિક મહેતા, સિવીલ ડીપાર્ટમેન્ટના સુપ્રી. એન્જીનીયર સી.સી. પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ, જવાબદાર તબીબો પણ ખાસ હાજર રહ્યા હતા. ચોમાસા દરમિયાન કોરોનાના દર્દીઓને કોઇ પણ તકલીફ ન પડે તે માટે તમામ પ્રકારની કામગીરી ઝડપભેર પૂરી કરવાની તાકીદ કરી હતી. હોસ્પિટલના ચોથા માળે ૧૨૦ બેડની સુવિદ્યા ઉભી કરવા માટે સીવીલ ડિપાર્ટમેન્ટને પણ સૂચના આપી દીધી હતી. જ્યાં સુધી આ તમામ કાર્યવાહી સંતોષકારક રીતે પૂરી ન થાય ત્યાં વુડોદરા હેડ ક્વાર્ટર ન છોડવાની પણ સૂચના આપવામાં આવી હતી.
એડમીનીસ્ટ્રેટીવ નોડલ ઓફિસર ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યુ હતુ કે, કોવિડ ૧૯ના આઇસીયુ અને જનરલ વોર્ડની પણ પીપીઇ કીટ પહેરીને ડો. રાવે મુલાકાત લીધી હતી. તેમની સાથે આખી ટીમ પણ કીટ પહેરીને જોડાઇ હતી. લગભગ ૮૦ જેટલા દર્દીઓની મુલાકાત લઇને તેમને સુવિદ્યાઓ અંગે પૂછપરછ કરી હતી. આ ઉપરાંત ફરજ પરના તબીબો તથા કર્મચારીઓને તકલીફો અંગે પૂછપરછ કરી હતી. ત્યાર બાદ ગોત્રી ખાતે આવેલા ઇએસઆઇ હોસ્પિટલની મુલાકાત લઇને ત્યાં પચાસ બેડનું કોવિડ હેલ્થ સેન્ટર એક જ અઠવાડીયામાં શરૂ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.