ન્યુ દિલ્હી : દેશમાં ફક્ત ૧૦ દિવસમાં કોરોનાવાયરસ ચેપનાં કેસ ૨ લાખથી વધીને ૩ લાખ થઈ ગયા છે. એક દિવસમાં મહત્તમ ૧૧,૪૫૮ કેસ નોંધાયા હોવાની સાથે શનિવારે ચેપનો કુલ આંક વધીને ૩,૦૮,૯૯૩ થયો છે, જ્યારે ચેપને કારણે ૩૮૬ લોકોનાં મોતનાં કારણે મૃત્યુઆંક ૮,૮૮૪ પર પહોંચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી છે.
વર્લ્ડોમિટર અનુસાર ભારતમાં કોરોના વાયરસનાં કેસને ૧ લાખ સુધી પહોંચવામાં ૬૪ દિવસ થયા હતા, પછીનાં પખવાડિયામાં, આ કેસ વધીને બે લાખ થઈ ગયા, જ્યારે હવે દેશમાં સંક્રમણનાં ૩,૦૮,૯૯૩ કેસની સાથે ભારત સંક્રમણથી વધુ પ્રભાવિત ચોથો દેશ બની ગયો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે કેસનાં બમણા થવાનો દર ૧૫.૪ દિવસથી વધીને ૧૭.૪ દિવસ થઈ ગયો છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, “અત્યાર સુધી દેશમાં ૪૯.૯ ટકા દર્દીઓ ઠીક થયા છે.” ચેપનાં કુલ કેસોમાં વિદેશી નાગરિકો પણ શામેલ છે. ચેપનાં કારણે ૩૮૬ મૃત્યુમાંથી, દિલ્હીમાં સૌથી વધુ ૧૨૯ અને મહારાષ્ટ્રમાં ૧૨૭ મોત થયા છે. ચેપનાં કેસો દિલ્હીમાં ઝડપથી વધી રહ્યા છે અને પહેલીવાર શુક્રવારે બે હજારથી વધુ કેસ નોંધાયા છે. સંક્રમણથી ગુજરાતમાં ૩૦, ઉત્તર પ્રદેશમાં ૨૦, તમિલનાડુમાં ૧૮, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને મધ્યપ્રદેશમાં નવ, કર્ણાટક અને રાજસ્થાનમાં સાત, હરિયાણા અને ઉત્તરાખંડમાં છ, પંજાબમાં ચાર, આસામમાં બે, કેરળ, જમ્મુ કાશ્મીર અને ઓડિશામાં એક-એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.