Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદના બાકરોલ ખાતે આદર્શ નિવાસી શાળા કન્યા-કુમાર છાત્રાલયો સંકુલ ૧-ર અને પી.જી. નવીન મકાનોનું E-લોકાર્પણ

ઊંચ-નીચ, જ્ઞાતિ-જાતિ, ભાષા-પ્રાંતના ભેદ ભુલી સૌ એક થઇ-સામાજિક સમરસતા સાથે સૌના સાથ સૌના વિકાસને સાકાર કરીએ – વિજયભાઇ રૂપાણી

આણંદ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સામાજીક સમરસતા, અંત્યોદય ઉત્થાન અને છેવાડાના માનવીના કલ્યાણ માટે શિક્ષણને પૂર્વશરત ગણાવી વંચિત, પીડિત, શોષિત હરેકના બાળકોને શિક્ષણના યોગ્ય અવસરો આપી વિશ્વના પડકારોને પહોચી વળવા સજ્જ બનાવવાની નેમ વ્યકત કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઉપક્રમે રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે આણંદના બાકરોલ ખાતે અંદાજે રૂા. ૨૧૨૬.૭૭ લાખના ખર્ચે નવનિર્મિત આદર્શ નિવાસી શાળા કન્યા-કુમાર છાત્રાલયો સંકુલ ૧-૨ અને પી.જી. નવીન મકાનોનું ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી E લોકાર્પણ કર્યા હતા.

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર અને રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહિર પણ આ લોકાર્પણમાં જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં સૌના સાથ સૌના વિકાસની પ્રતિબદ્ધતા ઊંચ-નીચ, આગળ-પાછળ, જાતિ-જ્ઞાતિ, ભાષા-પ્રાંતના ભેદ ભૂલી સૌ એક થઇને ‘‘સબ સમાજકો લિયે સાથ મે આગે હૈ બઢતે જાના’ ’ના ભાવ સાથે આ સરકાર સાકાર કરી રહી છે.

તેમણે કહ્યું કે, ગુજરાતમાં સામાજિક સમરસતાનું આ સદભાવપૂર્ણ વાતાવરણ ડહોળાય, સંતુલન તૂટે એવા ગુજરાત વિરોધીઓના કારસાને પ્રજાવર્ગોએ નિષ્ફળતા આપી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરે શિક્ષિત બનો-સંગઠિત બનોનો જે કોલ આપેલો તેને ચરિતાર્થ કરવા અને પછાતવર્ગોને વિકસિતોની હરોળમાં લાવવા રાજ્ય સરકારે અદ્યતન શિક્ષણ સવલતો, છાત્રાલયો, સમરસ હોસ્ટેલ્સ શરૂ કર્યા છે તેવો મત વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાઓમાં સ્વચ્છતા જળવાય, સારૂં પૌષ્ટિક ભોજન મળે સાથોસાથ કવોલિટી એજ્યુકેશન આપી આ વિદ્યાર્થીઓને પણ વિશ્વની ચેલેન્જીસ સ્વીકારવા સક્ષમ બનાવવાના આયામોની ભૂમિકા આપી હતી.

તેમણે કોરોના સંક્રમણના આ કપરાકાળમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, ફૂડ બિલમાં વધુ સહાય, વિનામૂલ્યે આવાસ વગેરે પેકેજ આપ્યા છે તેમ પણ ઉમેર્યુ હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સામેનો જંગ પ્રજાના સાથ સહકારથી જીતવા માટેની પ્રતિબદ્ધતા દોહરાવતાં કહ્યું કે, રાજ્ય સરકારના સઘન આરોગ્યલક્ષી પગલાંઓથી રિકવરી રેઇટ ૭૦ ટકા જેટલો થયો છે અને મૃત્યુદર પણ ૪.૭ ટકા થઇ ગયો છે તેને વધુ નીચે લઇ જવો છે.

મુખ્યમંત્રીશ્રીએ આદર્શ નિવાસી કન્યા શાળામાં અભ્યાસ કરીને દીકરીઓ પણ ઉજ્જવળ કારકીર્દી અવસરો મેળવે તેવી શુભેચ્છાઓ આપી હતી.

સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારે રાજ્યમાં પછાતવર્ગો, વિકસતી જાતિઓ, અનુસૂચિત જાતિ-જનજાતિના યુવાઓ, વિદ્યાર્થીઓ, દિકરીઓ માટે ઉચ્ચ અભ્યાસની સગવડ, વિદેશ અભ્યાસ સહાય અને પાયલોટ જેવા વ્યવસાય માટે પણ સહાય-પ્રેરણા મુખ્યમંત્રીશ્રીના સંવેદનશીલ અભિગમથી મળી રહી છે તેનો આભાર વ્યકત કર્યો હતો.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ વડોદરા જિલ્લામાં તથા નવસારીના જલાલપોરમાં આદર્શ નિવાસી કન્યા શાળાના અને ગાંધીનગર તેમજ ભાવનગરના મહુવામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયોના લોકાર્પણ કર્યા હતા.

આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આણંદ જિલ્લાના બાકરોલ ખાતેના અંદાજે રૂા.૨૧૨૬.૭૭ લાખના ખર્ચે તૈયાર થયેલ નવ નિર્મિત ૪ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું હતું. જેથી અનુસુચિત જાતિના કુમારો અને કન્યાઓ અહીં વિનામૂલ્યે ગુણવત્તાસભર ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવી શકશે તેમ કહ્યું હતું.

સાંસદશ્રીએ, વિદ્યાર્થીઓને અહીં શિક્ષણની સાથો સાથ છાત્રાલાય, ભોજનાલય, રીડીંગ રૂમ, કોમ્પ્યુટર રૂમ, વિઝીટર રૂમ, રસોડું, કીચન વીથ પેસ્ટ્રી ઉપરાંત ગણવેશ, પુસ્તકો, રમતગમતના સાધનો, સામાયિકો જેવી સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવનાર છે. જેથી વિદ્યાર્થીઓ ભણતરની સાથો સાથ શારીરિક રીતે પણ ફિટ રહી શકે તે માટે રમતગમતના મેદાનનો પણ બનાવવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીઓ રમતગમતમાં પણ આગળ વધી શકશે તેમ જણાવ્યું હતું.

લોકાર્પણ કાર્યક્રમમાં આણંદના વિદ્યાનગર ખાતેના સંકુલમાં ૧૨માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉન્નતિ મકવાણાએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે, મુખ્ય મંત્રી શ્રી દ્વારા આજે ઈ-લોકાર્પણ કરી અમને પ્રકૃતિ મય સાંનિધ્ય પૂરૂ પાડ્યું છે અને આવા સુંદર સાંનિધ્યમાં અમને વિનામૂલ્યે શિક્ષણ પુરું પાડવામાં આવશે જેથી અમે ખૂબ જ ખુશ છીએ. તેમ જણાવી અમારા અભ્યાસ ઉપર અસર ન પડે તે માટે લોકડાઉન દરમિયાન પણ અમને અમારા શિક્ષકો દ્વારા શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે.

ઉન્નતિએ, હવેથી અમે વિનામૂલ્યે નવા સંકુલમાં અભ્યાસની સાથે સાથે  શારીરિક રીતે સ્વસ્થ રહી શકીએ તે માટે રમત ગમતનું મેદાન અને સાધનો પણ પૂરા પાડવામાં આવશે અને અહીં ઘર જેવી જ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તે પ્રતિ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ, સામાજિક ન્યાય અધિકારિતા અગ્ર સચિવ શ્રી મનોજ અગ્રવાલ, વિકસતી જાતિ કલ્યાણ નિયામક શ્રી નિનામા જયારે આણંદ ખાતે ખંભાતના ધારાસભ્ય
શ્રી મયુરભાઈ રાવલ, આણંદ નગરપાલિકા પ્રમુખ શ્રી કાંતિભાઈ ચાવડા, કલેકટર શ્રી આર.જી. ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અજિત રાજીયન, તાલીમી આઈ.એસ સચિનકુમાર, જિલ્લાના અગ્રણી શ્રી મહેશભાઈ પટેલ, શ્રી હસમુખભાઈ ચાવડા, માર્ગ અને મકાન વિભાગ આણંદના કાર્યપાલક ઈજનેર
શ્રી એચ.ડી. રાઠોડ, નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણના શ્રી એ.કે. શેખ, મદદનીશ ઈજનેર શ્રી જિતેન્દ્ર ભરાડિયા, પ્રોજેક્ટ ઓફિસર શ્રી એ.આર. પરમાર, શ્રી એ.આર. ગરાસીયા, શ્રી અભિષેક પરમાર, નીક્ષાબેન બંસુ અને ડી.જી. રબારી, સુહાસિની કારપેન્ટર, શ્રી એચ.કે. ચૌધરી સહિત અન્ય કર્મચારીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

આણંદ જિલ્લામાં ઠંડી વચ્ચે રાજકારણ ગરમાયું : ગ્રામ પંચાયતની ચુંટણીને લઈ રાત્રિ બેઠકોનો ધમધમાટ

Charotar Sandesh

કોંગ્રેસ પક્ષથી નારાજ ખંભાતના ધારાસભ્ય હવે પુનઃ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ

Charotar Sandesh

આગામી મકરસક્રાંતિ પર્વને લઈ તંત્રએ કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા

Charotar Sandesh