દેશમાં કોરોનાના કુલ કેસ વધીને ૧૦.૦૫ લાખ થયા, ૨૫ હજારથી વધુના મોત
કુલ આંકડાનાં લગભગ ૩૦ ટકા કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા : દેશમાં ૬,૩૫,૭૫૭ લોકો કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થયા, એક્ટિવ કેસ ૩,૪૨,૪૭૩
મેઘાલય સરકારે ૨૪થી ૩૧ જુલાઇ સુધી રાજ્યની સીમાઓ સીલ કરવાનો નિર્ણય કર્યો
ન્યુ દિલ્હી : સમગ્ર દેશમાં કોરોના મહામારીનું વિકરાળ સ્વરૂપ સામે આવી રહ્યું હોય તેમ અનલોક-૨ના ૧૬મા દિવસે કેસોએ છલાંગ લગાવીને ૩૫ હજારની ઉપર પહોંચી ગયા હતા. અને કેસોની સંખ્યા ૧૦ લાખને પાર થઇ ગઇ હતી. ગઇકાલે ગુરૂવારે દેશના વિવિધ રાજ્યોમાં નોંધાયેલા કેસોના આંકડા આજે શુક્રવારે સવારે જાહેર કરાયા ત્યારે એક જ દિવસમાં રેકોર્ડ ૩૫ હજાર ૪૬૮ કેસ સામે આવ્યાં હતા. આ પહેલા સૌધી વધુ કેસ ૧૫ જુલાઇએ નોંધાયા હતો જે આંકડો ૩૨ હજાર ૬૦૭નો હતો. છેલ્લા ૨૪ કલાકમાં ૬૮૦ લોકોના મોત થયા હતા. દેશમાં સંક્રમણથી મોતનો આંકડો ૨૫ હજાર ૬૦૯ પર પહોંચી ગયો છે. દેશમાં અત્યારે ૩ લાખ ૪૨ હજાર ૭૯૭ લોકો સારવાર હેઠળ છે. જોકે ગુરૂવારે રેકોર્ડ સમાન એક જ દિવસમાં ૨૨ હજાર ૮૩૪ દર્દી સાજા પણ થયા હતા. એક દિવસમાં સાજા થવાનો આ અત્યારસુધીનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા ૧૪ જુલાઇએ સૌથી વધુ ૨૦૯૬૮ દર્દી સાજા થયા હતા. સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૬ લાખ ૩૬ હજાર ૫૬૯ થઇ ગઇ છે. જ્યારે, મહારાષ્ટ્રમાં દર્દીની સંખ્યા હવે ૩ લાખ તરફ આગળ વધી રહી છે. જો નવા દર્દી વધવાનું નહીં અટકે તો સમગ્ર દેશમાં ઓગસ્ટમાં પ્રથમ સપ્તાહ સુધીમાં ૨૦ લાખ દર્દી થઈ શકે
સૂત્રોએ કહ્યું કે, અનલોક-૧ કરતાં અનલોક-૨માં કેસોમાં તીવ્ર ગતિએ વધારો જોવા મળ્યો છે. જેના કારણોમાં અનલોક-૨માં વધારે છૂટછાટ આપવામાં આવી છે. જે કે હજુ શાળા-કોલેજો, જીમ, સિનેમા વગેરે.ને મંજીરી મળી નથી. જો મોટી સંખ્યામાં લોકો એક સ્થળે નજીક નજીક બેસતાં હોય તેવી પ્રવૃતિઓને મંજૂરી મળે તો સંક્રમણ ફેલાવાની શક્યતા રહેલી હોવાનું નિષ્ણાતો માની રહ્યાં છે. બીજી તરફ બિહાર સહિત કેટલાક શહેરોમાં આંશિક અને પૂર્ણ લોકડાઉન અમલમાં આવી ગયો છે.
કોરોનાના વધી રહેલા કેસન ધ્યાનમાં રાખીને મેઘાલય સરકારે ૨૪થી ૩૧ જુલાઇ સુધી રાજ્યની સીમાઓ સીલ કરવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન રાજ્યમાંથી કોઇ બહાર નહીં જઇ શકે અને બહારથી કોઇ રાજ્યમાં પ્રવેશ નહીં કરી શકે. માત્ર ઇમરજન્સી વાહનોની અવરજવર ચાલુ રહેશે.
દેશમાં કોરોનાના દર્દી ૧૦ લાખને પાર થઈ ગયા છે. દર્દી વધવાની ઝડપ સતત વધી રહી છે. સરકારી આંકડા મુજબ દર્દી બમણા થવાનો સમયગાળો ૨૧ દિવસ છે. એટલે કે જો નવા દર્દી વધવાનું અટકશે નહીં તો ઓગસ્ટમાં પ્રથમ સપ્તાહ સુધીમાં ૨૦ લાખ દર્દી થઈ શકે છે. બીજીબાજુ દેશમાં રિકવરી રેટ પણ વધ્યો છે. જે અત્યારે લગભગ ૬૩ ટકા છે. મૃત્યુદર ૨.૬ ટકા છે. પરંતુ ચિંતાની વાત એ છે કે મોતની સંખ્યા બમણી થવાની અવધિ ૨૩ દિવસ થઈ ગઈ છે. જે ગયા મહિને ૩૨ દિવસની હતી. એટલે કે ઓગસ્ટના બીજા સપ્તાહ સુધીમાં મોતની સંખ્યા ૫૦ હજાર થઈ શકે છે.
૨૫ માર્ચે જ્યારે લૉકડાઉન લગાવાયું ત્યારે દેશમાં માત્ર ૫૬૮ દર્દી હતા. ત્યારપછી ૩૧ મે સુધી લૉકડાઉનના ૬૮ દિવસમાં ૧.૯૦ લાખ દર્દી મળ્યા હતા. એટલે કે રોજના સરેરાશ ૨૭૯૪ દર્દી. ત્યારપછી ૧ જૂનથી અનલૉકનો પ્રથમ તબક્કો શરૂ થયો. ત્યારથી ૧૬ જુલાઈ સુધી ૪૬ દિવસમાં ૮.૧૦ લાખ દર્દી મળ્યા છે. એટલે કે રોજના સરેરાશ ૧૭૬૦૮ દર્દી. પરંતુ ચિંતા એ વાતની છે કે એક સપ્તાહથી આ સરેરાશ ૨૫૦૦થી ઊપર જતી રહી છે. હવે રોજની સરેરાશ ૩૦ હજાર થઈ ગઈ છે.