ન્યુ દિલ્હી : કોવિડ-૧૯ મહામારીની વચ્ચે હવે ભારત સરકારે અમેરિકન એરલાઈન્સ કંપનીઓને ૨૩ જુલાઈથી અમેરિકા-ભારતમાં પેસેન્જર્સ સર્વિસ ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.
શુક્રવારે યુએસ ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટેમેન્ટે આ અંગે જાણકારી આપી હતી. ભારત સરકારે કોરોનાવાઈરસના સંક્રમણને અટકાવવા માટે તમામ આંતરરાષ્ટ્રીય પેસેન્જર્સ ફ્લાઈટ પર પ્રતિબંધ મૂક્યો હતો.
યુએસ ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટે વંદે ભારત મિશન યોજનાની નિંદા કરી હતી. જૂનમાં યુએસ ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટે ભારતના વંદે ભારત મિશન યોજનાની નિંદા કરતા તેને અયોગ્ય અને ભેદભાવ પૂર્ણ ગણાવી હતી. ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટેમેન્ટે ધમકી આપી હતી કે, તેઓ પોતાના તે આદેશને પાછો ખેંચી લે, જેમાં એર ઈન્ડિયાને અમેરિકામાં ફસાયેલા નાગરિકોને પાછા લઈ જવા માટે પેસેન્જર્સ ફ્લાઈટ સર્વિસ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.
ભારતીય ઉડ્ડયન મંત્રાલયે ટિ્વટર પર જણાવ્યા પ્રમાણે, અમે અમારા ઈન્ટરનેશનલ એવિએશન ઓપરેશનને વિસ્તૃત કરી રહ્યા છીએ. અમેરિકા, યુએઈ, ફ્રાન્સ, અને જર્મનીની સાથે ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. અન્ય દેશોની સાથે પણ આ પ્રકારની વાટાઘાટો ચાલી રહી છે.