સુરત : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની અવિરત સવારી યથાવત રહી છે. દક્ષિણ ગુજરાતના ૩૨ તાલુકાઓમાં એકંદરે એક ઈંચથી લઈને ૪ ઈંચ સુધી વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે નદી નાળા છલોછલ વહી રહ્યાં છે. સુરતમાંથી પસાર થતી ખાડીઓ પણ બે કાંઠે વહી રહી છે. ત્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાંથી તંત્ર દ્વારા ૧લાખ ૯૦હજાર ક્યુસેક પાણી છોડવાની મંજૂરી આપવામાં આવી છે. જેની સામે અત્યારે ૧ લાખ ૬૬ હજાર ૭૪૫ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. શહેર સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી લોકોને તકેદારી રાખવા સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે.
ઉકાઈ ડેમની ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેથી ડેમમાં પાણીની આવક ૧ લાખ ૨૩ હજાર ૪૮૫ ક્યુસેક છે. ઉકાઈનું રૂલ લેવલ ૩૩૫ ફૂટ છે. જેથી આ સપાટી જાળવી રાખવા ડેમમાંથી હાલ આવક સામે જાવક ૧ લાખ ૬૬ હજાર ૭૪૫ ક્યુસેક કરવામાં આવી છે. જેથી ઉકાઈની સપાટી ૩૩૩.૯૨ થઈ છે.
ફ્લડ સેલ દ્વારા ઉકાઈ ડેમમાં પાણીની આવકને જોતા ૧ લાખ ૯૦ હજાર ક્યુસેક પાણી છોડવા માટે મંજૂરી આપવામાં આવી છે. ઉકાઈમાં પાણીની આવક વધે તો ૧ લાખ ૯૦ હજાર ક્યુસેક સુધી પાણી છોડવામાં આવી શકે છે. ઉકાઈમાંથી આ પાણી હાઈડ્રો, ગેટ ખોલીને અને કેનાલ મારફતે છોડવાની મંજૂરી તંત્ર દ્વારા આપવામાં આવી છે.