વીરપુર : વીરપુરના થોરાળા ગામ પાસે આવેલા ચેકડેમો અને તળાવો તૂટી જતાં ખેતરોમાં ઘોડાપૂર આવ્યું હતું. જેથી ખેતરમાં ઉભી મગફળી સહિતનો પાક ધોવાઈ જતા ખેડૂતોને પડતા પર પાટુ સહન કરવાનો વારો આવ્યો છે. જેના કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક સહાય આપવામાં આવે. જેથી ખેડૂતો ફરીથી વાવેતર કરી શકે.
ચાલુ વર્ષે સારો પાક થશે તેવી આશાએ ખેડૂતોએ જુદા જુદા પાકોનું બહોળી માત્રામાં વાવેતર કર્યુ હતુ. શરૂઆતમાં પાકને જરૂર હોય તે મુજબનો જ વરસાદ થતાં ધરતીપુત્ર ખુશખુશાલ થઈ ગયો. પરંતુ છેલ્લા ૧૫ દિવસથી સતત વરસાદ અને તેમાંય છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદે સારા પાકનું ચિત્ર બદલી નાખ્યું છે. તેમાં વીરપુરના થોરાળા ગામ પાસે આવેલ તળાવના હેઠાણવાળા વિસ્તારમાં વીરપુરના ખેડૂતોની ખેતીની જમીનો આવેલ છે. ગતરોજ ભારે વરસાદને પગલે થોરાળા ડેમ વિસ્તારના ચેકડેમો તેમજ નાના તળાવો પણ ઘણા તૂટી જતા ખેતરોમાં ઘોડાપુર આવ્યું હતું. આ પુરમાં ખેતરોમાં ઉભા મગફળી સહિતના પાકોનું ધોવાણ થઈ ગયું હતું. સંપૂર્ણ પાકનું ધોવાણ થઈ જતા આ વિસ્તારના ખેડૂતોએ સરકાર પાસે બીજા પાકના વાવેતર માટે તાત્કાલિક ધોરણે સહાય કરે તેવી માંગ કરી છે.