પૂરક પરીક્ષાનું પરિણામ માત્ર ૮.૧૭ ટકા, વધુ એકવાર છોકરીઓએ મેદાન માર્યું…
ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૦માં લેવાયેલી ધોરણ-૧૦ની પરીક્ષામાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આ જ વર્ષે પાસ થાય અને વર્ષ ન બગડે તે હેતુથી પૂરક પરીક્ષા લેવામાં આવે છે. આ પૂરક પરીક્ષા ૨૫થી ૨૮ ઓગસ્ટ દરમિયાન યોજાઈ હતી. જેનું આજે પરિણામ જાહેર થયું છે. આ પૂરક પરીક્ષાનું પરિણામ ૮.૧૭ ટકા આવ્યું છે. જેમાં છોકરીઓએ ફરી મેદાન માર્યું છે. આ પરિણામમાં ૮.૩૬ ટકા છોકરીઓ અને ૮.૦૪ ટકા છોકરા પાસ થયા છે. આ પરિણામમાં દિવ્યાંગોને ૨૦ ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. આ પાસિંગ લાભ મેળવનારા ૨૪૫ વિદ્યાર્થીઓ પાસ થયા છે.
આ અંગે વિસ્તારથી વાત કરીએ તો રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે ૨૫ ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ દરમિયાન ૩૮ કેન્દ્ર અને ૬૨૩ બિલ્ડિંગ્સ તેમજ ૬,૧૯૨ બ્લોકમાં આ પૂરક પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષા માટે ૧,૩૨,૦૩૨ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૧,૦૮, ૮૬૯ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી ૮૮૯૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે. આ પૂરક પરીક્ષામાં પાસ થયેલા ૮૮૯૦ વિદ્યાર્થીઓમાંથી ૩,૬૮૩ છોકરીઓ અને ૫,૨૦૭ છોકરાઓ પાસ થયા છે.
આ પરીક્ષાના પરિણામની માર્કશીટ અને પ્રમાણપત્રો તથા માર્ચ-૨૦૨૦ની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓના પ્રમાણપત્રોનું ૨૧ સપ્ટેમ્બરથી વિતરણ કરવામાં આવશે. જેને પગલે વિદ્યાર્થીઓની માર્કશીટ અને પ્રમાણપત્રો ૧૮ સપ્ટેમ્બરે જિલ્લા કક્ષાએ પહોંચાડવામાં આવશે.જિલ્લા કક્ષાએ કોરોનાની વર્તમાન સ્થિતિને અનુલક્ષીને સ્કૂલોને તાલુકા વાઈઝ, જીફજી(સ્કૂલ વિકાસ સંકુલ) કે કોર્પોરેશન વિસ્તારોમાં જિલ્લા કચેરી વિતરણની વ્યવસ્થા કરશે. આ પરિણામ બાદ જે વિદ્યાર્થીઓ ગુણ ચકાસણી કરાવવા માગતા હોય તેમણે બોર્ડની વેબસાઈટ ુુુ.ખ્તજીહ્વર્.ખ્તિ પર મુકવામાં આવેલી સૂચનાઓનો અભ્યાસ કરી સાથે આપેલા પરિશિષ્ટમાં જરૂરી ફી ભરવાની રહેશે. ત્યાર બાદ તેની ૭ દિવસમાં રજિસ્ટર્ડ પોસ્ટથી અરજી કરવાની રહેશે. હાલ કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં લઈ અરજીઓ રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓની સાથે ટિચિંગ અને નોન-ટિચિંગ સ્ટાફને પરીક્ષા સ્થળ પર પ્રવેશ આપતા પહેલા થર્મલ ગનથી બોડી ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું. પરીક્ષા દરમિયાન એક ક્લાસમાં માત્ર ૨૦ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા.