રવિવારે કૃષિ બિલની ચર્ચા સમયે વિપક્ષી સાંસદોએ સભાપતિનું માઇક તોડી નાંખ્યુ હતુ
વેંકૈયા નાયડુએ વિપક્ષના ૮ સાંસદને સત્રમાંથી એક સપ્તાહ માટે સસ્પેન્ડ કર્યા, ઉપસભાપતિની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે નહિ
સાંસદોના વર્તનમાં ગરિમાનો અભાવઃ નાયડુ
ન્યુ દિલ્હી : રાજ્યસભાના સભાપતિ એમ વૈંકેયા નાયડૂએ રવિવારના રોજ રાજ્યસભામાં હોબાળો કરનારા આઠ સાંસદોને એક અઠવાડિયા માટે સસપેન્ડ કર્યા છે. નાયડૂએ સોમવારના રોજ સદનની કાર્યવાહી શરૂ થતાની સાથે જ કહ્યું કે, કાલનો દિવસ રાજ્યસભા માટે ખૂબ જ ખરાબ દિવસ રહ્યો જ્યારે કેટલાક સભ્યો સદનના વેલ સુધી આવી ગયા. આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય છે. હું સાંસદોને સલાહ આપુ છું કે મહેરબાની કરીને થોડું આત્મનિરીક્ષણ કરો.
સભાપતિની આ કાર્યવાહી બાદ પણ સદનમાં હોબાળો યથાવત્ રહ્યો હતો ત્યારબાદ રાજ્યસભાને સવારે ૧૦ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ તમામ સાંસદો પર રવિવાવરના રોજ રાજ્યસભામાં ઉપ સભાપતિ પર કાગળ ફાડીને ફેંકવા, માઈક તોડવા, ટેબલ પર ચઢી જઈને હોબાળો કરવા અને રાજ્યસભામાં નિયમોનું પાલન નહીં કરવાનો આરોપ છે.
સસપેન્ડ કરાયેલા નેતાઓની યાદીમાં તૃણમુલ કોંગ્રેસ સાંસદ ડેરેક ઓ બ્રાયન, આમ આદમી પાર્ટી(આપ)ના સંજય સિંહ, કોંગ્રેસના રાજીવ સાટવ, રિપુન બોરા તથા નાજિર હુસૈન, કેકે રાગેશ, ડોલા સેન અને એક કરીમના નામનો સમાવેશ થાય છે.
રાજ્યસભામાં ભારે ધાંધલ અને તોફાનનાં વરવાં દ્રશ્યો વચ્ચે કૃષિ સેક્ટરને લગતા બે ખરડા પસાર કરવામાં આવ્યા છે. આ ખરડાનો વિરોધ કરી રહેલા વિપક્ષી સભ્યો સભાપતિનાં પોડિયમ પર ધસી ગયા હતા અને તેમના પર રૂલ બૂક ફેંકી હતી, દસ્તાવેજોના લીરા ઊડાડયા હતા અને તેમને ઘેરાવ કર્યો હતો. તેમણે આ ખરડાઓને સિલેક્ટ કમિટીને મોકલવાના તેમના પ્રસ્તાવ પર મતદાનની માગણી કરી હતી પરંતુ સભાપતિએ તે સ્વીકાર્યા વિના અતિશય ઘોંઘાટ અને ધમાચકડી વચ્ચે ધ્વનિ મતથી આ ખરડાઓ પસાર થઇ ગયાનું જાહેર કર્યું હતું.
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘે પણ રાજ્યસભાના બનાવને કમનસીબ અને શરમજનક ગણાવ્યો હતો. રાજનાથસિંઘે જણાવ્યું હતું કે રાજ્યસભામાં જે પણ બન્યું તે ઉદાસીજનક, કમનસીબ અને શરમજનક છે. શાસક પક્ષની જવાબદારી છે કે ગૃહમાં ચર્ચા થાય પરંતુ વિપક્ષની પણ ફરજ છે કે તે ડેકોરમ જાળવે. આ પ્રકારના દરેક નિર્ણય માટે રાજકીય કારણો હોય છે. હું તેના પર ટિપ્પણી કરવા માંગતો નથી કે તેમણે આવો નિર્ણય શા માટે લીધો.
તેમણે નિર્દેશ કર્યો હતો કે લોકસભા અને રાજ્યસભાના ઇતિહાસમાં આવો બનાવ ક્યારે બન્યો નથી. તેમા પણ રાજ્યસભામાં આવો બનાવ બન્યો તે સૌથી મહત્ત્વની બાબત છે, જે થયું તે ગૃહના ડેકોરમથી વિરુદ્ધ છે,, એમ તેમણે ઉમેર્યુ હતુ.
આ સાંસદોને કરાયા સસ્પેન્ડ
૧. ડેરેક ઓ’બ્રાયન
૨. સંજયસિંહ
૩. રાજુ સાતવ
૪. કે.કે.રાગેશ
૫. રિપન બોરા
૬. ડોલા સેન
૭. સૈયદ નઝીર હુસેન
૮. ઇલામારન કરીમ