વડોદરા : હાલ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ માનસિક સ્વાસ્થ્યને લઈ દેશભરમાં ચર્ચા થઈ રહી છે. તેવામાં વડોદરામાં એડિશનલ કમિશનરનાં ભેદી મોતનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના અલકાપુરી ઓફિસર્સ કોલોનીમાં રહેતાં અને સિવિલ ડિફેન્સના એડિશનલ કલેક્ટરનો મૃતદેહ ઘરમાં જ રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો હતો. એડિ. કલેક્ટરની ગાડીના ડ્રાઇવરે આક્ષેપ કર્યો છે કે સાહેબ પર બહુ ટોર્ચર હતું. જે અંગે સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગામિત છેલ્લા ૧૫ દિવસથી ઓફિસ જતા ન હતા. સાથે જ સહકર્મચારીઓને માનસિક તણાવ હોવાનું પણ જણાવ્યું હતું.
ઘટનાની વિગતમાં વાત કરીએ તો ૫૭ વર્ષીય સુરેશ ગામિત સિવિલ ડિફેન્સમાં એડિશનલ કલેક્ટર તરીકે વડોદરામાં નોકરી કરતાં હતા. અને તેમનો પરિવાર સુરતમાં રહે છે. ગઇકાલે સાંજે સાત વાગ્યે ડ્રાઇવર તેમને ટિફિન આપવા માટે ઘરે ગયો હતો. ઘરમાં ઘૂસતાંની સાથે જ ડ્રાઈવરે જે દ્રશ્ય જોયું તેને જોઈ તે હેરાન થઈ ગયો. સુરેશ ગામિત ખાટલામાં સૂતા હતા અને તેમના મોઢામાંથી ફીણ નીકળતું હતું. બાદમાં સુરેશ ગામિતને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પણ ત્યાં હાજર ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. એડિશનલ કલેક્ટરના મોતનું સાચુ કારણ જાણવા માટે પોલીસ પીએમ રિપોર્ટની રાહ જોઇ રહી છે. જ્યારે ડ્રાઇવર સુધાકર સૂર્યવંશીએ એવો આક્ષેપ કર્યો હતો કે, ત્રણ દિવસ પૂર્વે હું સાહેબ પાસે કેટલીક ફાઇલ પર સહી કરાવવા માટે ગયો હતો. ત્યારે સાહેબ રડતા હતા. તેઓએ જણાવ્યું હતું કે, મને ઓફિસમાં આવવાની ઇચ્છા થતી નથી મને માનસિક ટોર્ચર છે. આ મામલે સયાજીગંજ પોલીસે જણાવ્યું કે અમારો સંપર્ક કરીને કોઇએ રજૂઆત કરી નથી. પરંતુ અમે દરેક દિશામાં તપાસ કરીશું. મૃતક પાસેથી કોઇ ચિઠ્ઠી પણ મળી નથી. તેમના મોબાઇલ ફોનનો અભ્યાસ અમે શરૃ કર્યો છે. જોકે, હાલના તબક્કે તો એસજી ગામિતનું મોત હાર્ટએટેકથી થયું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.