ગાંધીનગર : કોરોના મુક્ત થયા બાદ ૧૯ સપ્ટેમ્બરે વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ગાજરાવાડી હનુમાન મંદિરમાં માસ્ક પહેર્યા સમર્થકો સાથે વિના ડાન્સ કરીને કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડાવ્યા હતા. આ મામલે મધુ શ્રીવાસ્તવ ફરી વિવાદમાં આવ્યા છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સનાતન ધર્મમાં એવુ ક્યાં લખ્યુ છે કે, પોતાના મંદિરની અંદર મોઢુ બાંધીને પૂજા કરવી? કોઇ કાયદામાં જોગવાઇ નથી. મારા ઉપર કેસ કરનાર પેદા થયો નથી. અમે કોઇને ઠોક્યો છે તો ઠોક્યો જ છે, અમે અધિકારીને માર્યો તો માર્યો જ છે, તેમાં તો કોઇ શંકા નથી.
ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, હું તો મંદિરમાં ૫૦ વર્ષથી હનુમાનચાલીચા અને ભજન કરતો આવ્યો છું, સનાતન ધર્મમાં એવુ ક્યાં લખ્યુ છે કે, પોતાના મંદિરની અંદર મોઢુ બાંધીને પૂજા કરવી? કોઇ કાયદાની જોગવાઇ નથી. લોકડાઉન આવ્યું ત્યારથી આ મોઢે બાંધવાનું આવ્યું છે. અમુક લોકો કહે છે કે, તમારી પર કેસ કરીશું, હું કહું છું કે, હું તમારા પર કેસ કરીશ. મારા ઉપર કેસ કરનાર પેદા થયો નથી. ધર્મના કામની અંદર હું ૫૦ વર્ષથી સેવા કરૂ છું, ત્યારે હું આવા આક્ષેપ કરતા લોકોને હું કહું છું કે, ધર્મના કામને સપોર્ટ આપવો જોઇએ. ભલે ગુનેગાર તો ગુનો કરે જ છે, તેનો સવાલ આવતો નથી. અમે કોઇને ઠોક્યો છે તો ઠોક્યો જ છે અમે અધિકારીને માર્યો તો માર્યો જ છે, તેમાં તો કોઇ શંકા નથી.