એક વર્ષમાં ૮૮ દેશમાં ૯.૭ કરોડ લોકો સુધી મદદ પહોંચાડી ચૂકેલા
USA : વર્ષ ૨૦૨૦નો નોબલ શાંતિ પુરસ્કાર વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સંગઠનને આપવામાં આવ્યો છે. નોર્વેની નોબલ કમિટીના અધ્યક્ષ બેરિટ રાઈસ એન્ડર્સને નોબલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરી. તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૯માં ૮૮ દેશના લગભગ ૧૦ કરોડ લોકો સુધી વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા સહાય પહોંચાડવામાં આવી છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દુનિયાભરમાં ભૂખને મટાડવા અને ખાદ્ય સુરક્ષાને પ્રોત્સાહિત કરનારું સંગઠન છે. સંગઠને કોરોનાના સમયમાં દુનિયાભરમાં જરૂરિયાતવાળા લોકોને જમાડવા અને મદદ કરવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી છે.
કોરોના મહામારીના સમયમાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની જવાબદારી વધી ગઈ છે, કારણ કે ભૂખ સામે ઝઝૂમી રહેલા લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. સંસ્થાનું કહેવું છે કે જ્યાં સુધી વેક્સિન નહીં આવી જાય, ત્યાં સુધી સારું ભોજન જ સૌથી સારી વેક્સિન છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે કહ્યું, નોબલ મળવાથી તેમના સ્ટાફના કામને ઓળખ મળી ગઈ છે,
જેમણે દુનિયાનાં ૧૦ કરોડ ભૂખ્યાં બાળકો અને મહિલા-પુરુષોની મદદમાં પૂરી શક્તિ લગાડી દીધી છે.વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સંગઠન સંયુક્ત રાષ્ટ્રના ફૂડ પ્રોગ્રામ સાથે જોડાયેલી શાખા છે. આ દુનિયાનું સૌથી મોટું એવું સંગઠન છે, જે જરૂરિયાતવાળા લોકોને જમાડે છે અને ખાદ્ય સુરક્ષાને પ્રોત્સાહન આપે છે. ડબલ્યુએફપીના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે ૮૩ દેશમાં સરેરાશ ૯૧.૪ મિલિયન લોકોને જમવાનું આપવામાં આવ્યું છે.
- Nilesh Patel