મુંબઇ : બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની છબિ બગાડવા બદલ ૩૮ ફિલ્મ કંપનીઓ અને સંગઠનોએ દિલ્હી હાઈકોર્ટમાં દાવો કર્યો છે. જેમાં બોલિવૂડ અંગે બેજવાબદાર, અપમાનજનક અને બદનામ કરનારા નિવેદનો અને મીડિયા ટ્રાયલ કરતા કેટલાક મીડિયા હાઉસ અને ટીવી પત્રકારોને અટકાવવા માટે અપીલ કરવામાં આવી છે. જે લોકોએ દાવો કર્યો છે તેમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, અજય દેવગણની કંપનીઓ સહિતના ઘણાં મોટા પ્રોડકશન હાઉસો સામેલ છે.
છેલ્લા ચાર મહિનામાં તમામ મીડિયા રિપોટ્ર્સમાં બોલિવૂડ અંગે ઘણું બધું કહેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ડ્રગ્સની તપાસ દરમિયાન બોલિવૂડની ઘણી હસ્તીઓને તેમાં સંડોવવામાં આવી અને બોલિવૂડને એવી જગ્યા બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે જ્યાં ડ્રગ્સ જેવી દુષ્ટતાનું વર્ચસ્વ છે. દિલ્હી હાઈકોર્ટમાં જે સિવિલ સ્યૂટ (કેસ) દાખલ કરવામાં આવ્યો છે, તેમાં રિપબ્લિક ટીવી અને ટાઇમ્સ નાઉનું નામ સામેલ છે. તેમજ અર્નબ ગોસ્વામી, પ્રદીપ ભંડારી, રાહુલ શિવશંકર અને નવિકા કુમારને પણ પાર્ટી બનાવાયા છે.
મુકદ્દમામાં ન્યૂઝ ચેનલોમાંથી પ્રોગ્રામ કોડને અનુસરીને ઇમેજ ખરાબ કરનારા કન્ટેન્ટને દૂર કરવાની માગણી પણ કરવામાં આવી છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચેનલોએ બોલિવૂડ વિશે ખૂબ જ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. આના માટે ૩૪ મોટા પ્રોડક્શન હાઉસ અને ચાર ફિલ્મ સંગઠનો એકજૂથ થયા છે. ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ આ બધાના નામોની યાદી શેર કરી છે.