ધારાસભ્ય અંગત ફાયદા માટે પક્ષ બદલે છે તેનો તેનો ચૂંટણીખર્ચ પ્રજા શા માટે ઉઠાવે…
અમદાવાદ : કેટલાક ધારાસભ્યો અંગત કારણ આપી કોઈએક રાજકીય પક્ષમાંથી રાજીનામુ આપી અન્ય પાર્ટીમાં જોડાતા હોવાથી ચૂંટણી પંચને ફરીવાર પેટા-ચૂંટણી યોજવી પડે છે જેથી પ્રજાના પૈસાનો નુકસાન ન થાય તે માટે પક્ષપલટું ધારાસભ્યો પાસેથી ચૂંટણી ખર્ચનો રકમ પરત વસૂલવાના નિયમો ચૂંટણી પંચ ઘડે તેવી માંગ સાથે જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
કોઈપણ બેઠક પર ચૂંટણી યોજવામાં ૧ થી ૨ કરોડ રૂપિયાનો ખર્ચ આવતો હોવાનું સામે આવ્યું છે. અરજદાર એડવોકેટ ખેમરાજ કોષ્ટિ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે ડિસ-ક્વોલિફિકેશનને ટાળવા માટે ધારાસભ્યો અંગત કારણો આપી એક રાજકીય પક્ષમાંથી રાજીનામું આપી અન્ય રાજનૈતિક પક્ષ સાથે જોડાઈ તેમની ટિકિટ પર ફરીવાર ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભા થાય છે.
પક્ષપલટુ ધારાસભ્યોના આ પ્રકારના અંગત લાભના લીધે પ્રજાના પૈસાનું નુકસાન થાય છે, જેથી કોઈપણ ધારાસભ્ય તેની ટર્મ પૂરી ના થાય ત્યાં સુધી રાજીનામું આપી શકે નહીં તેવા નિયમો ઘડવામાં આવે તેવી માંગ કરી છે.